બીટકૉઇન સિટીની આ રહી ઝલક

14 May, 2022 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાઇબ બુકેલેએ ગોળાકાર ઍરપોર્ટ અને અનેક લૅન્ડમાર્ક બિલ્ડિંગ્સની છબિ પણ જાહેર કરી છે. 

બીટકૉઇન સિટીની આ રહી ઝલક

અલ સાલ્વાડોરના પ્રમુખ નાઇબ બુકેલેએ ક્રિપ્ટોકરન્સી-ફન્ડવાળા શહેર માટેની આર્કિટેક્ચર સ્ટુડિયો FR-EEની ડિઝાઇનને રજૂ કરી છે. યોજના મુજબ આ શહેર દેશના દ​ક્ષિણમાં જ્વાળામુખીની બાજુમાં ઊભું કરવામાં આવશે. 
અલ સાલ્વાડોરના દક્ષિણ કિનારે ફોનસેકાના અખાત પર બાંધવામાં આવનારા આ  શહેરને બાંધવા માટેનું ભંડોળ બીટકૉઇન બૉન્ડના વેચાણ દ્વારા એકત્ર કરવામાં આવશે તથા એનું સંચાલન નજીકના કોન્ચાગુઆ જ્વાળામુખીમાંથી ઉત્પન્ન કરવામાં આવનારી જિયોથર્મલ ઊર્જા દ્વારા કરાશે. 
બીટકૉઇનના આકારમાં તૈયાર કરવામાં આવનારા આ ગોળાકાર શહેરની ડિઝાઇન FR-EEના સ્થાપક અને મેક્સિકન આર્કિટેક્ટ ફર્નાન્ડો રોમેરો દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમણે અગાઉ ફૉસ્ટર+પાર્ટનર્સ સાથે સહયોગ સાધીને મેક્સિકો સિટી ઍરપોર્ટ ડિઝાઇન કર્યું હતું. 
નાઇબ બુકેલેએ તૈયાર કરેલા ગોલ્ડન મૉડલમાં એક કેન્દ્રિત શહેર દર્શાવાયું છે, જે બીટકૉઇનના લોગો ધરાવતા સેન્ટ્રલ પ્લાઝામાંથી બહાર આવતું જોવાય છે. નાઇબ બુકેલેએ ગોળાકાર ઍરપોર્ટ અને અનેક લૅન્ડમાર્ક બિલ્ડિંગ્સની છબિ પણ જાહેર કરી છે. 
નાઇબ બુકેલેએ તૈયાર કરેલું મૉડલ સોનેરી રંગનું હોવા ઉપરાંત જ્વાળામુખીની ટોચ પર એક વ્યુ પૉઇન્ટ બનાવવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું.  
બીટકૉઇન સિટીની ડિઝાઇન વિશે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે વાસ્તવમાં શહેર સોનાનું નહીં બને, આ માત્ર આર્કિટેક્ટની કલ્પનાનો રંગ છે. 
શહેરને ફાઇનૅન્સ કરવા માટે અલ સાલ્વાડોર ૧૦ અબજ ડૉલર (લગભગ ૭૭૫  અબજ રૂપિયા)નાં બૉન્ડ ઇશ્યુ કરવાનો ઇરાદો ધરાવે છે, જેનું અડધું રોકાણ બીટકૉઇનમાં અને અડધું શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં કરવામાં આવશે. ગયા વર્ષે અલ સાલ્વાડોર ક્રિપ્ટોકરન્સીને એનું સત્તાવાર ચલણ બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.

offbeat news