ક્રોએશિયાનાં શાનદાર સ્વિમિંગ સ્પૉટ

11 August, 2022 12:08 PM IST  |  Zagreb | Gujarati Mid-day Correspondent

ટ્રાવેલ ગાઇડમાં આવાં ૧૨૦ સ્થળોની માહિતી આપવામાં આવી છે જેની સુંદર ફોટોગ્રાફી આપણને ત્યાં પરિવાર સહિત જવા માટે લલચાવે છે

ઝારેકી ક્રોવ ધોધ

યુરોપમાં આવેલા ક્રોએશિયા અને સ્લોવેનિયામાં ફરવા જવાનાં અજાણ્યાં સ્થળોની માહિતી તાજેતરમાં જ એક ટ્રાવેલ ગાઇડમાં આપવામાં આવી છે જેમાં ત્યાંનાં સુંદર ટાપુઓ, સ્વચ્છ પાણી ધરાવતાં તળાવો તેમ જ ધોધ વિશે જાણકારી આપવામાં આવી છે. ટ્રાવેલ ગાઇડમાં આવાં ૧૨૦ સ્થળોની માહિતી આપવામાં આવી છે જેની સુંદર ફોટોગ્રાફી આપણને ત્યાં પરિવાર સહિત જવા માટે લલચાવે છે. આ ટ્રાવેલ ગાઇડના લેખક પોતે એક લાઇફગાર્ડ, સ્વિમર, માઉન્ટન ગાઇડ જેવી ભૂમિકામાં કામ કરી ચૂક્યા છે. લેખકે વર્ણવેલાં વિવિધ સ્થળો વિશે માહિતી મેળવીએ.

ઝારેકી ક્રોવ ધોધ : ક્રોએશિયાના મધ્યમાં પાઝિન્સિકા નદી પર આ ધોધ આવેલો છે. ત્યાં પહોંચવું ઘણું સરળ છે. ધોધની નીચે એક ગુફા પણ બની છે. ઉનાળા દરમ્યાન અહીં લોકો મોટી સંખ્યામાં ઊમટી પડે છે.

સાકારુન બીચ, ડુગી ઓટોક : ક્રોએશિયામાં આવેલો ડુગી ઓટોક અર્થાત લાંબો ટાપુ નામ પ્રમાણે ૪૫ કિલોમીટર લંબાઈ અને ચાર કિલોમીટરની પહોળાઈ ધરાવે છે જ્યાં ઘણા રેતાળ બીચ આવે છે. 

ગોસ્પા ઓડી ઝેકેવા : ક્રોએશિયામાં આવેલા આ ટાપુ વિશેની દંતકથા મુજબ એક ભરવાડને મધર મૅરીનાં દર્શન થયાં હતાં અને સંતે તેને એક ચર્ચ બનાવવા જણાવ્યું, જે ગોસ્પા તરીકે ઓળખાય છે. અહીંના સ્વિમિંગ સ્પૉટ આ ટાપુના ઇતિહાસના કારણે નહીં, પરંતુ એની ફરતે આવેલી પર્વતમાળાને કારણે અદ્ભુત દૃશ્યો પૂરાં પાડે છે. અહીં કોઈ જાણીતા બીચ નથી પરંતુ જેટી પર તમે તમારા ટૉવેલને સૂકવવા નાખી શકો છે. અહીંની સુંદરતામાં તલ્લીન થઈ શકો છો.

offbeat news croatia international news