ઘાસ કાપવા માટે બકરાં ભાડે આપવાનો બિઝનેસ પણ હોઈ શકે?

17 May, 2022 09:53 AM IST  |  South Wales | Gujarati Mid-day Correspondent

કારમાર્થનશર, સાઉથ વેલ્સના ડાઉન હાર્ટ અને તેના પાર્ટનર રિચર્ડ વાઇટને લગભગ  ત્રણેક વર્ષ પહેલાં આ બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો

આ બકરાંઓ તમામ નીંદણ ખાઈ જાય છે

સાઉથ વેલ્સના એક પરિવારે એક અનોખો વ્યવસાય શરૂ કર્યો છે. જેમના ગાર્ડનમાં ઘાસ ઘણું વધી ગયું હોય અને તેઓ એને ટ્રીમ કરાવવા વિશે વિચારી રહ્યા હો તો આ પરિવાર પોતાનાં બકરાં તેમને ઓછામાં ઓછા ૧૦ દિવસ માટે ભાડે આપશે. આ પરિવાર પાસે કુલ ૨૦૦ જેટલાં બકરાં છે, જેમાંનાં ઘણાં નાનાં છે.

કારમાર્થનશર, સાઉથ વેલ્સના ડાઉન હાર્ટ અને તેના પાર્ટનર રિચર્ડ વાઇટને લગભગ  ત્રણેક વર્ષ પહેલાં આ બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. બકરાંઓ પોતાના મજબૂત પેટને કારણે દિવસમાં આઠ પાઉન્ડથી વધુ ઘાસ, નીંદણ અને ગાંઠ ખાઈ શકે છે. મોટા ભાગનાં બકરાંઓને નામ આપવામાં આવ્યાં છે તથા એમને વ્યક્તિગત કૉલર આપવામાં આવ્યા છે, જેના પર તેમનાં નામ અને ટેલિફોન-નંબર લખેલાં છે.

આ બકરાંઓ તમામ નીંદણ ખાઈ જાય છે. વાસ્તવમાં જે જગ્યાએ ભારે મશીન કે ટ્રૅક્ટર્સ પ્રવેશી ન શકતાં હોય કે વન્ય જીવોનું રક્ષણ કરવું આવશ્યક હોય ત્યાં આ બકરાંઓ ઘાસ સાફ કરી આપે છે. ડાઉન જણાવે છે કે તેની બકરીઓ શિસ્તબદ્ધ છે અને તેમના કૉલર્સ તેમને કામમાં મદદરૂપ થાય છે. જીપીએસ કૉલર ફ્રીક્વન્સી સિસ્ટમ પર કામ કરે છે જે બકરીને બાઉન્ડરીની બહાર જતી રોકવા માટે માઇલ્ડ શૉક આપે છે. જોકે આ પહેલાં તેમના કાનમાં ચેતવણી આપતું ઝીણું સંગીત સંભળાય છે, જેથી તેઓ શૉક લાગતાં પહેલાં જ પાછાં ફરી જાય છે. આ ઉપરાંત તેમના વિસ્તારની ફરતે ઇલેક્ટ્રિક ફૅન્સિંગ લગાવવાથી પણ તેઓ ભટકી જવાનો ડર રહેતો નથી.

offbeat news international news