૧૪,૮૦૦ રૂપિયાવાળી સોનાની ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવી છે?

29 July, 2021 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું તમે સ્પેશ્યલ ટૉપિંગ્સ અને ઘટકો ધરાવતી ફ્રેન્ચ ફ્રાઇઝ માટે ૨૦૦ ડૉલર એટલે કે લગભગ ૧૪,૮૦૦ રૂપિયા ચૂકવો ખરા તો બેશક જવાબ ‘ના’ જ આવે.

૧૪,૮૦૦ રૂપિયાવાળી સોનાની ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવી છે?

ફાસ્ટ ફૂડ આઇટમ્સમાં ફ્રેન્ચ ફ્રાઇઝ લગભગ બધાની જ પ્રિય છે. સામાન્યપણે ફ્રેન્ચ ફ્રાઇઝની કિંમત રેસ્ટોરાંની ખ્યાતિ તથા ફ્રેન્ચ ફ્રાઇઝના આધારે અંદાજે પ્રતિ પ્લેટ ૧૦૦થી ૨૦૦ રૂપિયા થાય. જો ફ્રેન્ચ ફ્રાઇઝ વધુ હોય તો એના હિસાબે કિંમતમાં વધારો થઈ શકે છે. જોકે સ્પેશ્યલ ફ્રેન્ચ ફ્રાઇઝ એના પર સ્પેશ્યલ ટૉપિંગ્સ સાથે મળે તો શું તમે એની વધુ કિંમત ચૂકવો ખરા? જવાબ આવશે ‘હા’ ૧૦૦-૨૦૦ ને બદલે ૨૫૦ કે ૩૦૦ રૂપિયા પણ ચૂકવી શકાય. પરંતુ શું તમે સ્પેશ્યલ ટૉપિંગ્સ અને ઘટકો ધરાવતી ફ્રેન્ચ ફ્રાઇઝ માટે ૨૦૦ ડૉલર એટલે કે લગભગ ૧૪,૮૦૦ રૂપિયા ચૂકવો ખરા તો બેશક જવાબ ‘ના’ જ આવે.
ન્યુ યૉર્કની સેરેન્ડિપિટી થ્રી નામની રેસ્ટોરાંમાં વિશ્વની સૌથી મોંઘી અને સ્પેશ્યલ ફ્રેન્ચ ફ્રાઇઝ વેચાય છે. વિશ્વની આ સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઇઝમાં ચીપરબેક બટાકાની ચિપ્સને તળતાં પહેલાં વિનેગર અને શૅમ્પેનમાં બ્લાન્ચ કરવામાં આવે છે અને ત્યાર બાદ રોજ વપરાશના તેલ નહીં પરંતુ હંસની ચરબીમાંથી બનેલા તેલમાં ડબલ ફ્રાય કરવામાં આવે છે તથા ત્યાર બાદ એના પર શુદ્ધ સોનાની રજકણોનો છંટકાવ કરવામાં આવે છે અને ટ્રફલ તેલ અને ટ્રફલ મીઠા સાથે ખવાય છે. આનાથી પણ આગળ વધીને આ ફ્રેન્ચ ફ્રાઇઝને ક્રિસ્ટલની પ્લેટમાં ટ્રફલ્સની પાતળી ચીરીઓ અને ચીઝ ડિપ સાથે સર્વ કરવામાં આવે છે. 
આ અગાઉ આ રેસ્ટોરાંએ અતિ મોંઘા બર્ગર અને આઇસક્રીમ સન્ડે માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

offbeat news