24 June, 2025 12:54 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
(ડાબેથી) ૧૧ વર્ષનો અલી, અકસ્માત પછી કપડાંથી ઢાંકેલું કપાયેલું માથું અને જે બસમાં આ દુર્ઘટના થઈ હતી એની બારી.
ઉત્તર પ્રદેશના હાથરસમાં જાન લઈને જઈ રહેલી એક બસમાંથી કુતૂહલવશ ૧૧ વર્ષના એક છોકરાએ બારીમાંથી માથું બહાર કાઢ્યું અને તેનું માથું કપાઈ ગયું. વાત એમ હતી કે અલી નામનો ૧૧ વર્ષનો છોકરો ચાચાના દીકરાની શાદીમાં જઈ રહ્યો હતો. બાકીનાં સગાવહાલાં વાતો અને મસ્તીમાં મશગૂલ હતાં ત્યારે અલીએ બસની બહારનો નજારો જોવા માટે માથું બહાર કાઢ્યું. જ્યારે તેણે આવું કર્યું ત્યારે રોડ પર રિપેરિંગ ચાલી રહ્યું હોવાથી રોડ સાંકડો હતો અને સામેથી એક મેટાડોર ફુલ સ્પીડમાં આવી રહી હતી. એના ફોર્સથી અલીનું માથું કપાઈને બહાર ફેંકાઈ ગયું હતું અને તેનું ધડ થોડી વાર માટે બસની અંદર જ તરફડતું હતું. તરત જ બસમાં હોબાળો મચી ગયો અને બસ ઊભી રાખવામાં આવી. થોડે દૂરથી રસ્તા પર પડેલું અલીનું માથું તેના ચાચા લઈ આવ્યા અને ગમછાથી ઢાંકી દીધું. જોકે તેના પિતા આ દૃશ્ય જોઈને એવા ભાંગી પડ્યા કે તેમનું આક્રંદ જોઈને ભલભલાનાં દિલ દ્રવી ઊઠ્યાં હતાં. ખોળામાં દીકરાનું ધડ લઈને તેમણે ફરીથી કપાયેલા માથાને જોડવાની કોશિશ કરી. ચહેરા પર રોડની માટી લાગી હતી એ પિતાએ પોતાના કપડાથી સાફ કરીને તેને જગાડવાનો પ્રયાસ કર્યો. જોકે એ બધું વ્યર્થ હતું એ સૌ સમજતા હતા.
આ ઘટના પછી બસચાલક અને મેટાડોરચાલક બન્નેને પકડી પાડવામાં આવ્યા અને બાળકના શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.