20 October, 2025 10:29 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
સાપને જનરલ ઍનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો અને એ પછી સડેલો ભાગ કાપીને આંતરડાને ફરીથી એના મૂળ સ્થાન પર લાવીને ટાંકા લેવાનું કામ કરવામાં આવ્યું હતું.
હરિયાણામાં ભિવાનીના પશુપાલન વિભાગના વેટરનરી સર્જ્યનોએ એક પડકારજનક સર્જરી કરીને કોબ્રાનો જીવ બચાવ્યો હતો. વાત એમ હતી કે એક ઘાયલ સાપ કૈરુ નામના ગામમાંથી મળી આવ્યો હતો. એની હાલત ખરાબ જોઈને ગામલોકોએ એને હૉસ્પિટલમાં પહોંચાડ્યો હતો. સાપના આંતરડાનો એક ભાગ સડી ગયો હોવાથી એ શરીરની બહાર નીકળી આવ્યો હતો. રાજ્યના પશુચિકિત્સાલય અને પૉલિક્લિનિકમાં વેટરનરી સર્જ્યન ડૉ. જોનીનું કહેવું હતું કે કોઈક વન્યજીવ સાથેની લડાઈમાં સાપ ઘવાયો હતો અને એ ઘામાંથી આંતરડું બહાર આવી ગયું હતું. બહાર આવેલું આંતરડું સડવાનું શરૂ થઈ જતાં સાપ પીડામાં હતો. ડૉ. જોનીએ અન્ય ડૉ. હરિઓમ અને ડૉ. મુકેશની સાથે મળીને સાપના સડેલા આંતરડાને દૂર કરવાની સર્જરી કરી હતી. સાપ ઝેરીલો હોવાથી અને એની શરીરરચના પણ બહુ સેન્સિટિવ હોવાથી સાપને જનરલ ઍનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો અને એ પછી સડેલો ભાગ કાપીને આંતરડાને ફરીથી એના મૂળ સ્થાન પર લાવીને ટાંકા લેવાનું કામ કરવામાં આવ્યું હતું.