બંદૂકના ધંધાને એસેન્શિયલ સર્વિસ જાહેર કરીને ચાલુ રાખવાની છૂટ માગી

30 March, 2020 06:54 AM IST  |  Mumbai Desk

બંદૂકના ધંધાને એસેન્શિયલ સર્વિસ જાહેર કરીને ચાલુ રાખવાની છૂટ માગી

કોરોના વાઇરસના રોગચાળાને કારણે શટડાઉન દરમ્યાન ફક્ત આવશ્યક સેવાઓને ચાલુ રાખવાની છૂટ અપાઈ છે. એ આવશ્યક સેવાઓની યાદી નિર્ધારિત છે. એ યાદીમાં સામેલ કરીને ધંધો કરવાની છૂટ આપવાની માગણી સાથે અમેરિકાના નૅશનલ રાઇફલ અસોસિએશન અને બંદૂકોના દુકાનદારોએ કૅલિફૉર્નિયાની પ્રાંતીય સરકાર સામે અદાલતમાં અરજી કરી છે. અરજીના પ્રતિવાદીઓમાં કૅલિફૉર્નિયાના ન્યુસમ ક્ષેત્રના પ્રશાસન, લૉસ ઍન્જલસના કાઉન્ટી શૅરિફ ઍલેક્સ વિલાનુવા, સ્ટેટ પબ્લિક હેલ્થ ઑફિસર સોનિયા એન્જેલ અને બાર્બરા ફેરર, તેમ જ લૉસ ઍન્જલસ કાઉન્ટી ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક હેલ્થનો સમાવેશ છે. લૉકડાઉન સંબંધી જોગવાઈઓમાં ન્યુસમ પ્રશાસને બંદૂકોની દુકાનોને આવશ્યક સેવાઓમાં ગણવી કે નહીં એનો નિર્ણય દરેક કાઉન્ટીના સ્થાનિક પ્રશાસનની મુનસફી પર છોડ્યો હતો, પરંતુ લૉસ ઍન્જલસના કાઉન્ટી શૅરિફ ઍલેક્સ વિલાનુવાએ બંદૂકો-શસ્ત્રોની દુકાનોનો સમાવેશ આવશ્યક સેવાઓમાં ન થતો હોવાથી એ દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી હતી. એ જાહેરાતને પડકારવા નૅશનલ રાઇફલ અસોસિએશન અને બંદૂકો-હથિયારોના દુકાનદારોએ અદાલતમાં અરજી કરી હતી. અરજદારોમાં ગન વર્લ્ડ, સેકન્ડ અમેન્ડમેન્ટ ફાઉન્ડેશન, કૅલિફોર્નિયા ગન રાઇટ્સ અસોસિએશન, ફાયર આર્મ્સ પૉલિસી કોએલિશન તથા અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ છે. અરજદારોએ જણાવ્યું હતું કે અનિશ્ચિતતાના આ સમયમાં સ્વસુરક્ષા માટે શસ્ત્રોની જરૂરિયાત ઊભી થઈ શકે છે.

national news covid19 coronavirus offbeat news