પત્નીને ગિફ્ટ આપ્યું તાજમહલ જેવું ઘર

23 November, 2021 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજમહલની જેમ ચળકે એ માટે ઘરની અંદર અને બહાર લાઇટિંગ પણ કરવામાં આવી છે.

પત્નીને ગિફ્ટ આપ્યું તાજમહલ જેવું ઘર

મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં એક વ્યક્તિએ તાજમહલની પ્રતિકૃતિ બનાવી છે. જે રીતે મુઘલ બાદશાહ શાહજહાંએ પત્નીની યાદમાં આ ઇમારત બનાવી હતી એ જ પ્રમાણે આ વ્યક્તિએ પણ આ ઇમારત પત્નીને ભેટ આપી છે. બુરહાનપુરમાં રહેતા આનંદ ચોકસેને હંમેશાં એક વાતનું આશ્ચર્ય રહેતું કે શા માટે તાજમહલ તેના શહેરમાં ન બન્યું, કારણ કે મુમતાઝ આ શહેરમાં જ મૃત્યુ પામી હતી. એવુ માનવામાં આવે છે કે અગાઉ તાજમહલ તાપી નદીના કિનારે બુરહાનપુરમાં બનવાનો હતો, પછી આગરામાં બનાવવાનો નિર્ણય લેવાયો હતો. 
તાજમહલની પ્રતિકૃતિ સમાન ૪ બેડરૂમનો આ બંગલો બનાવવામાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં. ઘર બનાવવામાં એન્જિનિયરને પણ ઘણા બધા પડકારનો સામનો કરવો પડ્યો હતો. તેણે તાજમહલનો અભ્યાસ કરવો પડ્યો. વળી ઘરની અંદર નકશીકામ માટે બંગાળ અને ઇન્દોરથી કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. 
ઘરનો ગુંબજ ૨૯ ફુટ ઊંચો છે. તાજમહલ જેવા ટાવર અને ફ્લોરિંગ રાજસ્થાનના મકરાણાથી મગાવવામાં આવ્યા હતા. જ્યારે ફર્નિચર મુંબઈના કારીગરોએ બનાવ્યું હતું. 
ઘરમાં એક મોટો હૉલ, બે બેડરૂમ નીચે અને બે બેડરૂમ ઉપરના ભાગમાં હતા. એ ઉપરાંત એક લાઇબ્રેરી અને પ્રાર્થનાખંડ પણ છે. 
તાજમહલની જેમ ચળકે એ માટે ઘરની અંદર અને બહાર લાઇટિંગ પણ કરવામાં આવી છે.

offbeat news