બાળકને ઘરે લાવવામાં કપલ બાળકને ટૅક્સીમાં જ ભૂલી ગયું

31 May, 2019 09:18 AM IST  |  જર્મની

બાળકને ઘરે લાવવામાં કપલ બાળકને ટૅક્સીમાં જ ભૂલી ગયું

પ્રતીકાત્મક તસવીર

જર્મનીના હૅમ્બર્ગ શહેરમાં એક કપલને ત્યાં બીજા બાળકનું આગમન થયું. બન્ને બહુ જ ખુશ હતાં. હૉસ્પિટલથી પહેલી વાર બચ્ચાંને ઘરે લઈ જવાનું હતું ત્યારે બન્ને સંતાનો સાથે યુગલ ટૅક્સીમાં બેઠું. જોકે ઘર પાસે તેઓ ઊતર્યા ત્યારે આદતવશ બન્ને મોટા દીકરાની આંગળી પકડીને નીચે ઊતરી ગયા અને નવજાત બાળક તો ટૅક્સીની પાછળની સીટમાં રહી જ ગયું. પૈસા લઈને ડ્રાઇવર ક્યાંય આગળ વધી ગયો એ પછી તેમને પોતાની ભૂલનું ભાન થયું. યુગલ દોડીને પાછું ઘરની બહાર ગયું અને ટૅક્સી માટે આમતેમ શોધ ચલાવી પણ કંઈ ફાયદો ન થયો. આખરે બન્ને પાસે પોલીસમાં ફરિયાદ કરવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો. બીજી તરફ ટૅક્સી-ડ્રાઇવર ગાડી પાર્ક કરીને લંચ-બ્રેક માટે જતો રહ્યો. એ વખતે પણ તેને ખબર ન પડી કે પાછલી સીટમાં કોઈ બચ્ચું છે. જમીને તે ઍરપોર્ટ પર એક ક્લાયન્ટને લેવા ગયો. પેલા ક્લાયન્ટે પાછળનો દરવાજો ખોલ્યો ત્યારે તેને આ બાળક દેખાયું. છેક એ વખતે ડ્રાઇવરને ખબર પડી કે આગળની સવારીવાળું યુગલ નવજાત બાળકને અહીં જ ભૂલી ગયું છે. ઍરપોર્ટવાળા ક્લાયન્ટને થયું કે કદાચ ડ્રાઇવર ખોટું બોલતો હશે.

આ પણ વાંચોઃ જયપુરની આ હૉસ્પિટલમાં રોગોનું નિદાન કરવા કુંડળી જોવામાં આવે છે

જોકે ડ્રાઇવરે ખુદે પોલીસને ફોન કરીને આ વાતની જાણકારી આપી. પોલીસે જે થાણામાં યુગલે નવજાત બાળકના મિસિંગની ફરિયાદ નોંધાવેલી ત્યાંનો સંપર્ક કરીને ડ્રાઇવર અને યુગલનો મેળાપ કરાવ્યો અને નવજાત બાળક સુપરત કર્યું. જર્મનીની પોલીસે યુગલનું નામ જાહેર નથી કર્યું, પણ વધુપડતા ઉત્સાહમાં યુગલો કેવું કરી બેસે છે એની વાત સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.

germany offbeat news hatke news