ગીતા રબારીએ પૅરિસમાં બોલાવી ગરબાની રમઝટ

28 March, 2024 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ પછી ફ્રાન્સમાં હસબન્ડ પૃથ્વી રબારી સાથે હળવી પળો દરમ્યાન જોવા મળી વેસ્ટર્ન લુકમાં : પૅરિસમાં આહીર પરિવારની એક રેસ્ટોરાંમાં જમણ પણ માણ્યું

ગીતા રબારી

કચ્છની ગરબા-ક્વીન ગણાતી ગીતા રબારી આજકાલ ફ્રાન્સમાં મહાલી રહી છે. માત્ર મહાલી જ નથી રહી, તેણે ફ્રાન્સના ગુજરાતીઓને ગરબાના રંગમાં તરબોળ પણ કરી દીધા. જો સવાલ થાય કે આ બિનમોસમી ગરબા પાછળનું કારણ શું? એનો જવાબ ગીતા રબારીની ફેસબુક-પોસ્ટમાંથી મળે છે. તે લખે છે, ‘આપણા ગુજરાતના ગરબાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું એ આપણા સૌ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપણી સંસ્કૃતિને આજે વિશ્વના નકશા પર પહોંચાડી દીધી છે માટે આજે ગર્વ થાય છે ગુજરાતી હોવાનો અને ભારતીય હોવાનો. ગુજરાત સરકાર અને ભારતીય દૂતાવાસ દ્વારા પૅરિસમાં ગરબાનું આયોજન થયું હતું અને ૨૦૦૦થી પણ વધારે ગુજરાતીઓ માતાજીના ગરબા ખૂબ મોજથી રમ્યા હતા.’

પૅરિસમાં ગીતા રબારી ભરતકામ કરેલા ટિપિકલ કૉસ્ચ્યુમમાં જ ગરબા ગાતી જોવા મળી હતી અને ખેલૈયાઓ પણ ટ્રેડિશનલ ગુજરાતી ચણિયાચોળી અને કેડિયામાં રાસગરબા લેતા જોવા મળ્યા હતા. 

ગરબાના આ કાર્યક્રમ પછી ગીતા રબારી પૅરિસની ગલીઓમાં સહેલાણીઓ વચ્ચે જોવા મળી હતી. તેણે પૅરિસના આઇફલ ટાવર સાથે તેમના ટ્રેડિશનલ લુકમાં અને અન્ય જગ્યાએ વેસ્ટર્ન કપડાંમાં હૉટ લુકવાળી તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. પૅરિસમાં એક ગુજરાતી ભાઈની માલિકીની ‘ગાંધીજી’ઝ’ નામની રેસ્ટોરાંમાં જમણ લીધું હતું. એ રેસ્ટોરાંની બહારની તસવીર શૅર કરીને તેણે લખ્યું હતું, અરવિંદભાઈ આહીર (રેસ્ટોરાંના માલિક) અને ફૅમિલીએ મારી સંપૂર્ણ ટીમને ખૂબ પ્રેમથી જમાડી.

offbeat news social media viral videos paris