૨૫૦૦ વર્ષ પહેલાં આવેલા ભૂકંપને લીધે ગંગા નદીના પ્રવાહની દિશા બદલાઈ ગઈ હતી

21 June, 2024 04:53 PM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

આ ભૂકંપ વિશે વૈજ્ઞાનિકો અજાણ હતા, પણ તાજેતરમાં બંગલાદેશની રાજધાની ઢાકા પાસે એનાં ચિહ્‍‍નો જોવા મળ્યાં હતાં.

ગંગા ઘાટની ફાઇલ તસવીર

૨૫૦૦ વર્ષ પહેલાં સાઉથ એશિયાને હચમચાવી નાખનારા ભૂકંપને લીધે ગંગા નદીની દિશા બદલાઈ ગઈ હતી. આ ભૂકંપ વિશે વૈજ્ઞાનિકો અજાણ હતા, પણ તાજેતરમાં બંગલાદેશની રાજધાની ઢાકા પાસે એનાં ચિહ્‍‍નો જોવા મળ્યાં હતાં. વૈજ્ઞાનિકોએ રેતી અને માટીના પૃથક્કરણ પરથી એવું તારણ કાઢ્યું હતું કે ભૂકંપની તીવ્રતા ૭.૫થી ૮ જેટલી હતી અને એનો આંચકો એટલો તીવ્ર હતો કે એણે ગંગાના મુખ્ય પ્રવાહની દિશા બદલી નાખી હતી. નદીનો વિસ્થાપિત ભાગ ભૂકંપના કેન્દ્રથી ૧૮૦ કિલોમીટર દૂર હતો છતાં એનું ઉચ્છેદન એટલે કે નદીના પ્રવાહમાં ઝડપી ફેરફાર થઈ ગયો હતો.

ન્યુ યૉર્કમાં કોલમ્બિયા ક્લાઇમેટ સ્કૂલના લેમોન્ટ-ડોહર્ટી અર્થ ઑબ્ઝર્વેટરીના રિસર્ચર માઇકલ સ્ટેલકરે ગંગા નદીના પ્રવાહમાં થયેલા ફેરફારને અત્યાર સુધીનું સૌથી મોટું ઉચ્છેદન ગણાવ્યું હતું. આમ તો મોટા ડેલ્ટામાંથી વહેતી નદીઓની જેમ ગંગા ભૂકંપ વિના પણ પોતાનો માર્ગ બદલી શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે નદીના પટ પર ધીમે-ધીમે ઘણો બધો કાંપ એકઠો થયા બાદ એ આસપાસની જમીન કરતાં ઊંચો થઈ જાય છે અને નદી પોતે નવો રસ્તો બનાવી લે છે. જોકે તાજેતરના અભ્યાસમાં એ સાબિત થઈ ગયું છે કે ગંગા જેવી વિશાળ નદીની દિશા ભૂકંપને કારણે બદલાઈ ગઈ છે.

ganga national news life masala