બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટમાં લિક્વિડ કોકેનની હેરાફેરી કરતી ગૅન્ગ પકડાઈ

30 November, 2020 07:58 AM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટમાં લિક્વિડ કોકેનની હેરાફેરી કરતી ગૅન્ગ પકડાઈ

પકડાયેલી ગેન્ગ

દાણચોરી અને ડ્રગ્સ ટ્રાફિકિંગ માટે અનેક રીતરસમો, પદ્ધતિઓ ચાલતી અને અજમાવાતી હોવાની ખબરો અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે. કેફી પદાર્થો કે હીરા જેવી કીમતી ચીજોનાં પૅકેટ ગુપ્તાંગોમાં છુપાવવા કે સામાનમાં છુપાવવાના ઘણા કીમિયા પોલીસ, કસ્ટમ્સ અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાનોના ધ્યાનમાં આવતા રહે છે. લોકોએ મેક્સિકો અને અમેરિકા વચ્ચે અનેક કિલોમીટર લાંબાં ભોંયરા-ટનલ્સ અને ડ્રગ સ્મગલિંગ સબમરીન વિશે સાંભળ્યું હશે, પરંતુ ડ્રગ લૉન્ડરિંગ માટે કુખ્યાત એવા દક્ષિણ અમેરિકાના કોલમ્બિયામાં કોકેનની હેરાફેરી માટે અનોખો માર્ગ અપનાવવામાં આવતો હતો.

તાજેતરમાં પ્રકાશિત વિગતો અનુસાર કોલમ્બિયાના કેફી પદાર્થોની હેરાફેરી કરતી ‘ધ સર્જન્સ’ નામની માફિયા ગૅન્ગ મહિલાઓને બ્રેસ્ટ (સ્તનો) અને કાફ (પગની પિંડી)માં ઇમ્પ્લાન્ટ કરાવીને એના પોલાણમાં ઇન્જેક્શન વડે પ્રવાહી કોકેન ભરીને એ કન્સાઇનમેન્ટની યુરોપમાં  ડિલિવરી કરાવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. કોલમ્બિયાના ઍટર્ની જનરલે જણાવ્યું હતું કે ‘ધ સર્જન્સ’ નામની ગૅન્ગમાં મહિલાઓને ભરતી કરવામાં આવતી હતી. તે મહિલાઓને  યુરોપમાં સારા પગારની નોકરી અપાવવાની લાલચ આપીને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવતી હતી. કૉસ્મેટિક સર્જરી કરાવે તો જ નોકરી અપાવવાની શરત મૂકવામાં આવતી હતી. એ મહિલાઓને બ્રેસ્ટ અને કાફ ઇમ્પ્લાન્ટ કરાવવાની ફરજ પાડવામાં આવતી હતી. તેમને એ ઇમ્પ્લાન્ટના પ્રોસ્થેસિસમાં ઇન્જેક્શન દ્વારા કોકેન ભરીને સ્પેન તથા અન્ય દેશોમાં મોકલવામાં આવતી હતી. એ કૉસ્મેટિક સર્જરી પણ ક્વૉલિફિકેશન વગરના ડૉક્ટરો કરતા હતા, એ વધુ એક જોખમ ગણી શકાય.

international news offbeat news mexico