સ્કિન કૅર પ્રોડક્ટ્સ પર દોષ ઢોળ્યો ભૂતપૂર્વ બ્યુટી ક્વીને

17 January, 2021 08:59 AM IST  |  Geneva | Gujarati Mid-day Correspondent

સ્કિન કૅર પ્રોડક્ટ્સ પર દોષ ઢોળ્યો ભૂતપૂર્વ બ્યુટી ક્વીને

પ્રતીકાત્મક તસવીર

ભૂતકાળમાં મિસ જીનિવા અને મિસ સાઉથ આફ્રિકાનો ખિતાબ જીતનાર અને મિસ વર્લ્ડ પેજન્ટમાં ભાગ લેનાર ૨૫ વર્ષની મિસ મરિયમા ડિયાલો ત્રણ વર્ષ પહેલાં સફળ મૉડલિંગ કારકિર્દી ધરાવતી હતી. જોકે તેણે બજારમાં નવી આવેલી સ્કિન કૅર પ્રોડક્ટનો ઉપયોગ કર્યા બાદ ચહેરા પર કાળા ડાઘ ઊપસી આવ્યા છે. આવા ચહેરાને કારણે લગભગ ૨૦૧૮ના વર્ષથી તેને મૉડલિંગનું કામ મળતું બંધ થઈ ગયું છે, જેને કારણે મરિયમા ડિયાલોએ હવે સ્કિન કૅર પ્રોડક્ટનું ઉત્પાદન કરતી કંપની પર તેની કારકિર્દી ખતમ કરવા બદલ કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય લીધો છે.

મરિયમા ડિયાલોનું કહેવું છે કે આવા ચહેરાને કારણે મેં ઘરની બહાર નીકળવાનું અને લોકો સાથે ભળવાનું છોડી દીધું છે. મરિયમા ડિયાલોની તકલીફોની શરૂઆત થઈ હતી ૨૦૧૮ના જાન્યુઆરીમાં જ્યારે તે મૅનહટન રહેવા ગઈ હતી. અહીં તે પોતાની ફ્રેન્ચ સ્કિન પ્રોડક્ટ મેળવી ન શકી જેથી તેણે સ્વિસ બ્રૅન્ડની પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી હતી. જોકે આ પ્રોડક્ટના વપરાશથી તેના ચહેરા પર ખીલ અને કાળા ડાઘ પડવાનું શરૂ થઈ ગયું હતું. સ્વિસ કંપનીનો સંપર્ક કરતાં તેમણે આ પ્રોડક્ટથી ચહેરાને પહોંચેલી હાનિ નિવારવા અન્ય ક્રીમ આપી, પણ તેની તકલીફ ઓછી થવાને બદલે આખો ચહેરો ડાઘથી ભરાઈ ગયો જેને કારણે તે લોકો સાથે ભળવાનું પણ ટાળતી હતી.

offbeat news international news geneva