04 November, 2026 10:50 AM IST | India | Gujarati Mid-day Correspondent
ભારતભ્રમણે નીકળ્યું વિદેશી દંપતી
સાઉથ એશિયાના પાંચ દેશોમાં પ્રવાસ કરી ચૂકેલું એક વિદેશી દંપતી હવે ભારતમાં અનોખી રીતે ઑટોરિક્ષા લઈને ભ્રમણ કરી રહ્યું છે. બ્રિટન અને લિથુઆનિયાના આ કપલે ભારતમાં ૩૦ વર્ષ જૂની સેકન્ડ-હૅન્ડ ઑટોરિક્ષા ખરીદીને એને રંગબેરંગી કલર કરાવીને નવો લુક આપ્યો છે. કપલે આ રિક્ષાને ‘ટુકપૅક’ (Tukpac) નામ આપ્યું છે અને એની સાઇડમાં ‘Tuk Life’ તેમ જ પોતાની યુટ્યુબ ચૅનલનું નામ લખાવ્યું છે. આ કપલ આગામી ૬ મહિનામાં રિક્ષા દ્વારા આશરે ૨૦,૦૦૦ કિલોમીટર ફરીને સમગ્ર દેશની સફર ખેડવાનો ટાર્ગેટ ધરાવે છે. તેમણે પોતાની આ સફર તામિલનાડુથી શરૂ કરી છે.
યુનાઇટેડ કિંગડમ (UK)ની ઓલિવિયા અને યુરોપના દેશ લિથુઆનિયાનો મારિયસ સોશ્યલ મીડિયા પર પોતાનું ટ્રાવેલ અકાઉન્ટ ચલાવે છે. તેમણે બે સપ્તાહ પહેલાં એક વિડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘અમે ૩૦ વર્ષ જૂનું ટુક-ટુક (ઑટોરિક્ષા) ખરીદ્યું છે અને એમાં બેસીને ભારતનો વધુમાં વધુ ભાગ જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
કપલે ખરીદેલી આ ચેન્નઈ-રજિસ્ટર્ડ રિક્ષાની બૉડી પર પીળા રંગનું આકર્ષક પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે જેમાં સમુદ્ર, પહાડ અને ઝાડનાં ચિત્રો દોરેલાં છે. આ યાત્રા વિશે મારિયસે જણાવ્યું હતું કે ‘આ ૧૯૯૭નું જૂનું ટૂ-સ્ટ્રોક એન્જિન ધરાવતું વાહન હોવાથી મારે દર પાંચ લીટર પેટ્રોલમાં ૨૫૦ મિલીલીટર ઑઇલ ઉમેરવું પડે છે. જો આવું ન કરીએ તો એન્જિન બગડી શકે છે.’
ઉલ્લેખનીય છે કે ભારત આવતાં પહેલાં આ કપલે લાઓસ અને કમ્બોડિયામાં પણ રિક્ષા ચલાવીને પ્રવાસ કર્યો હતો. કમ્બોડિયામાં તેમના ટુક-ટુક પર વાંદરાઓએ હુમલો કર્યો હોવાનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.