ફ્લૉરિડામાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ

27 March, 2024 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકનારાઓના મતે ઇન્ટરનેટ મીડિયા બાળકોને એવી બાબતોથી ઉજાગર કરે છે જે તેમનામાં ડિપ્રેશન, આત્મહત્યા અને ડ્રગ્સની લતનું કારણ બને છે.

પ્રતીકાત્મક તસવીર

યુનાઇટેડ સ્ટેટ્સના ફ્લૉરિડા રાજ્યમાં ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર હવે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. સોમવારે રાજ્યના ગવર્નર રોન ડિસેન્ટિસે એક કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં શરત રાખવામાં આવી હતી કે ૧૪થી ૧૫ વર્ષની વચ્ચેની ઉંમરનાં બાળકોને પણ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવા માટે માતા-પિતાની સહમતીની જરૂર પડશે. આ પગલું બાળકોને તેમના માનસિક સ્વાસ્થ્ય માટેના ઑનલાઇન રિસ્કથી બચાવવા માટે છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સે એ તમામ સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ બંધ કરવાં પડશે જેમાં માતા-પિતાની સહમતી નથી.

એક નિવેદનમાં રોન ડિસેન્ટિસે જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા બાળકોને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે અને આ પગલું માતા-પિતાને તેમનાં બાળકોની સુરક્ષામાં પણ મદદ કરશે. જોકે આ બિલ કોઈ પ્લૅટફૉર્મનું નામ લેતું નથી; પરંતુ એમાં મેટ્રિક્સ, ઑટોપ્લે વિડિયો, લાઇવ સ્ટ્રીમિંગ જેવી સુવિધાઓ સાથેનાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ વિશે વાત કરવામાં આવી છે. બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકનારાઓના મતે ઇન્ટરનેટ મીડિયા બાળકોને એવી બાબતોથી ઉજાગર કરે છે જે તેમનામાં ડિપ્રેશન, આત્મહત્યા અને ડ્રગ્સની લતનું કારણ બને છે.

offbeat videos offbeat news social media viral videos