પાંચ વર્ષની બાળકીએ પોતાની ગુલ્લકના પૈસાથી કર્યું અનોખું કામ

05 January, 2021 08:22 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

પાંચ વર્ષની બાળકીએ પોતાની ગુલ્લકના પૈસાથી કર્યું અનોખું કામ

બાળકી તેને તૈયાર કરેલા કાર્ડ અને કેક સાથે

ન્યુ યૉર્કની પાંચ વર્ષની એક છોકરી આરન્યાએ તેના વિન્ટર વેકેશનનો સમય સ્થાનિક નર્સિંગ હોમના રહેવાસીઓ માટે કાર્ડ બનાવીને પસાર કર્યો હતો. આ દરમ્યાન તેણે નર્સિંગ હોમના રહેવાસીઓ માટે ડેકોરેશનનો સામાન તૈયાર કર્યો હતો. એટલું જ નહીં, નવા વર્ષે તેમને સ્પેશ્યલ ફીલ કરાવવા માટે તેણે પોતાની ગુલ્લક તોડીને એમાંથી કેક બનાવી હતી.

આરન્યાનું કહેવું છે કે તેના ક્લાસમાં તેમને અન્યો પ્રત્યે સહૃદયી થવાનું શીખવવામાં આવ્યું હતું. કોરોના વાઇરસની મહામારીને કારણે પરિવાર અને મિત્રોને મળી ન શકનાર નર્સિંગ હોમના લોકોને આનંદિત કરવા માટે તેણે આ માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો હતો.

આરન્યા બે મહિના પહેલાં જ્યારે કાર્ડ બનાવી રહી હતી ત્યારે તેની મમ્મી શચીએ તેને કાર્ડ બનાવવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે મારે આ કાર્ડ નર્સિંગ હોમમાં પોતાના પરિજનોથી દૂર એકલા રહેતા લોકો માટે બનાવવું છે. એ સાંભળીને શચીએ નજીકના નર્સિંગ હોમની મુલાકાત લીધી અને ત્યાંની સ્થિતિનો તાગ મેળવીને પોતાની દીકરીને ૨૦૦ કાર્ડ તૈયાર કરવા જણાવ્યું હતું. આટલાં કાર્ડ બનાવ્યા પછી આરન્યાને હજી કંઈક વધુ કરવાની ઇચ્છા થઈ. તેણે બીજાની ખુશી માટે કેક અને સૅન્ટા ક્લૉઝ અને અન્ય ડેકોરેશનની ચીજો પર ખર્ચ કરવા પોતાની ગુલ્લક તોડીને પૈસા ખર્ચ કર્યા હતા. નાની બાળકી પાસેથી ભેટ મેળવીને નર્સિંગ હોમના રહેવાસીઓ પણ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

offbeat news international news new york