આ પરિવારનાં પાંચ બાળકો હજી પણ ભાંખોડિયાભેર ચાલે છે

05 December, 2021 08:07 AM IST  |  Turkey | Gujarati Mid-day Correspondent

ટર્કીના વૈજ્ઞાનિકો આ ઘટનાને ‘પછાત વિકાસ’ના પુરાવા તરીકે ગણાવે છે

પરિવારનાં બાળકો

ટર્કીના દૂરના એકાંત વિસ્તારમાં ગંદા રસ્તા અને પથ્થરના ઘરમાં રહેતો એક પરિવાર હજી પણ માનવ ઉત્ક્રાન્તિનાં ૪૦ લાખ વર્ષ પહેલાંના યુગમાં જીવતો હોય એમ લાગે છે. 
ટર્કીના વૈજ્ઞાનિકો આ ઘટનાને ‘પછાત વિકાસ’ના પુરાવા તરીકે ગણાવે છે, કેમ કે આ પરિવારના અનેક સભ્યો ચાર પગે એટલે કે બે પગ સાથે હાથના પંજાનો ઉપયોગ કરીને ચાલે છે. 
રેટિસ અને હાટિસ ઉલાસનાં કુલ ૧૯ બાળકોમાંથી પાંચ ભાઈ-બહેન ચાર પગે ભાંખોડિયા ભરીને ચાલે છે. અમેરિકી સૈન્યમાં સૈનિકનું ધૈર્ય અને સહનશીલતા માપવા માટે જે (બે હાથ અને બે પગનો ઉપયોગ કરીને ચાલવાનું) કામ સોંપવામાં આવે છે એ આ પરિવારના લોકો માટે જીવનની કડવી વાસ્તવિકતા છે. જોકે આપણા પૂર્વજો હાથનો ઉપયોગ કરીને ચાલતા હતા, પરંતુ આ ભાઈ-બહેનો તેમના હાથના પંજાનો ઉપયોગ કરીને ચાલતાં હોવાથી હાથના પંજાની ચામડી ઘણી કઠણ થઈ ગઈ છે. 
આ ભાઈ-બહેનો પ્રત્યે ગ્રામવાસીઓના ભારે અપમાનજનક વર્તનને કારણે તેઓ શહેરથી દૂર એકાંત વિસ્તારમાં રહેવા આવી ગયાં હતાં. ગ્રામવાસીઓના આવા અનુચિત વર્તનને કારણે સ્ત્રીઓએ ઘરની બહાર નીકળવાનું જ છોડી દીધું, પણ પુરુષો ક્યારેક ઘરની જરૂરિયાત માટે ગામમાં જાય છે ખરા. આ જ કારણસર તેઓ સ્કૂલ ગયાં જ નથી. વર્ષો સુધી દુનિયાથી અલિપ્ત રહ્યા બાદ ૨૦૦૫માં એક ટર્કી પ્રોફેસરનનાં પેપર્સ પરથી બ્રિટિશર્સને આ પરિવાર વિશે જાણ થઈ હતી. 

offbeat news international news turkey