બૅક ટુ પેવિલિયન આને કહેવાય

19 June, 2022 09:24 AM IST  |  Cornwall | Gujarati Mid-day Correspondent

એક ફાર્મમાંથી પાંચ મધપેટીની ચોરી કરવામાં આવી હતી

ઇંગ્લૅન્ડની કાઉન્ટી કૉર્નવૉલના ટ્રેસિલિયન ગામમાં જે ફાર્મમાંથી મધમાખીઓની ચોરી થઈ હતી એના મુખ્ય બીકીપર ગાય બાર્ન્સ (જમણે) તેમના કલીગ્ઝ સાથે.

ઇંગ્લૅન્ડની કાઉન્ટી કૉર્નવૉલના ટ્રેસિલિયન ગામમાં એક અજબ કિસ્સો બન્યો હતો. અહીંના એક ફાર્મમાંથી પાંચ મધપેટીની ચોરી કરવામાં આવી હતી. એમાં અંદાજે ચાર લાખ મધમાખીઓ હતી. જોકે ચોરોને ખ્યાલ નહોતો કે મધમાખીઓ પાછી એમના માલિકને ત્યાં આવી શકે છે. આખરે ચોરાયેલી મધમાખીઓ માલિકના ફાર્મમાં પાછી ફરી હતી.

આ મધમાખીઓ એમના માલિકના ફાર્મમાં પાછી ફરી એ સૂચવે છે કે ચોરોએ આ મધપેટીઓને આ ફાર્મથી નજીકના જ વિસ્તારમાં રાખી હશે. આ ચોરીની સ્થાનિક વિસ્તારમાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. પોલીસની પાસે આ ફાર્મના ઘાસ પર કોઈ વાહનનાં ટાયરોનાં નિશાન એકમાત્ર ક્લુ છે.

૨૨ એકરના આ ફાર્મમાં અસિસ્ટન્ટ બીકીપર કૅથરિન બાર્ન્સે જણાવ્યું હતું કે ‘પાછી ફરેલી આ મધમાખીઓને નવી મધપેટીઓમાં મૂકવામાં આવી છે. જો મધમાખીઓને એક માઇલથી ઓછા વિસ્તારમાં લઈ જવાઈ હોય તો તેઓ એમના પહેલાંના સ્થાને પાછી ફરી શકે છે.’

આ પાંચ મધપેટીઓની ૧૧ જૂને સાંજે છ વાગ્યાથી ૧૨ જૂને સવારે છ વાગ્યાની વચ્ચે ચોરી કરવામાં આ હતી. દરેક મધપેટીમાં ૮૦,૦૦૦ મધમાખીઓ હતી. કદાચ મધ માટે ચોરી કરવામાં આવી હોઈ શકે છે.

offbeat news international news