11 February, 2026 03:13 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ખેડૂતે ડ્રોનમાં ડુક્કરને કતલખાને મોકલ્યું
ચીનમાં એક ખેડૂતે પોતાના ડુક્કરને કતલખાને મોકલવા માટે ડ્રોનનો સહારો લીધો હતો. અંતરિયાળ અને પહાડી ગામોમાંથી તળેટીના વિસ્તારોમાં માલસામાન પહોંચાડવા માટે ચીનમાં ડ્રોનનો ઉપયોગ બહુ કૉમન છે. ખેડૂતે જીવતા ડુક્કરને કતલખાને મોકલવા માટે ડ્રોન વાપર્યું હતું. જોકે ડ્રોન રસ્તામાં વીજળીના તારમાં અટવાઈ ગયું. સિચુઆન પ્રાંતના પહાડી વિસ્તારમાં આ ઘટના બની હતી. ડુક્કરને ગાડીમાં લાવવા-લઈ જવાનું મુશ્કેલ હોવાથી ડ્રોનનો ઉપયોગ થયો હતો. જોકે સાંજના સમયે ડ્રોન સાથે બાંધી દીધા પછી વિઝિબિલિટી પૂરી ન હોવાથી ડ્રોન સાથે જોડાયેલી રસ્સી હાઈ-વૉલ્ટેજ વીજળીનું વહન કરતા તારમાં ફસાઈ ગઈ હતી. એને કારણે શૉર્ટ સર્કિટ થયું અને આખા વિસ્તારની વીજળી કપાઈ ગઈ. ગામલોકોએ ૧૦ કલાકની મહેનત કરીને પેલા ડુક્કરવાળા ડ્રોનને તારથી છૂટું પાડ્યું અને મહામુશ્કેલીએ ગામમાં વીજળી પાછી આવી. શહેરમાંથી ૧૨ નિષ્ણાતોની ટીમ આવી અને ૧.૧૬ લાખ રૂપિયાનો ખર્ચ થયો ત્યારે વીજળીના તારનું કામ પાર પડ્યું.