કર્ણાટકના ખેડૂતે નહેરના પાણીમાંથી ઘર માટે વીજળી પેદા કરી

06 January, 2021 09:30 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

કર્ણાટકના ખેડૂતે નહેરના પાણીમાંથી ઘર માટે વીજળી પેદા કરી

સિદપ્પા

‘સ્વદેશ’ ફિલ્મમાં જે રીતે શાહરુખ ખાન વહેતાં ઝરણાંમાંથી વીજળી પેદા કરીને ગામના લોકોની સમસ્યા દૂર કરે છે એવું જ કંઈક કર્ણાટકના નારગુંડના પહાડી પ્રદેશના રહેવાસી સિદપ્પા નામના એક ખેડૂતે કર્યું છે. જોકે તેણે વિકસાવેલો લઘુ જળ વિદ્યુત પ્રકલ્પ કે યંત્ર ૬૦ વૉટના ૧૦ બલ્બ અને બે ટીવી સેટ એટલે કે એક નાનકડા ઘર કે ઑફિસને જોઈએ એટલી વીજળી પેદા કરી શકે છે. ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ખેડૂતના આ યંત્રની ખૂબ પ્રશંસા કરી છે. એ યંત્ર દ્વારા આખા ગામની જરૂરિયાત પૂરી થઈ શકે એટલી વીજળી પેદા કરવાનો આત્મવિશ્વાસ ખેડૂત વ્યક્ત કરે છે. સિદપ્પાએ તેના ઘર માટે વીજપુરવઠો મેળવવા હુબલી ઇલેક્ટ્રિસિટી કંપનીને અરજી કરી હતી પરંતુ એ કંપનીએ તમારું ઘર ખૂબ અંતરિયાળ અને પહાડી ગામડામાં હોવાથી અમે ઇલેક્ટ્રિસિટી કનેક્શન આપી નહીં શકીએ એવો જવાબ આપ્યો હતો. ત્યાર પછી સિદપ્પાએ પવન ઊર્જા માટે પ્રયત્ન કર્યા. એ અનુકૂળ ન થયા એટલે ઘરગથ્થુ પ્રકારનો નાનકડો જળ વિદ્યુત પ્રકલ્પ બનાવ્યો. એમાં મુખ્યત્વે પાણીના ટબ અને લાકડાની જરૂર પડે છે. જળાશયોના પરિસરમાં બાંધવામાં આવતા મોટા સરકારી જળ ઊર્જા પ્રકલ્પોની ટેક્નૉલૉજી સાથે સિદપ્પાની સિસ્ટમને સીધો સંબંધ નથી. તેના ઘરની પાસેથી વહેતી નહેરના પાણીનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. 

offbeat news national news karnataka