૪૭,૦૦૦ રૂપિયાનું AI ટૂથબ્રશ, જેમાં છે કૅમેરા અને જેટ સ્પ્રે

03 September, 2026 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બ્રશમાં આપેલો કૅમેરા પ્રતિ સેકન્ડ ૨૮ ઇમેજનું ઍનૅલિસિસ કરે છે. AI સિસ્ટમ દાંત વચ્ચેની જગ્યાઓને આપમેળે શોધી લે છે અને કૅમેરાની મદદથી બરાબર એ જ જગ્યાએ ૦.૧૫ મિલીલીટર જેટલું લિક્વિડ સ્પ્રે કરીને પ્લાક સાફ કરે છે.

૪૭,૦૦૦ રૂપિયાનું AI ટૂથબ્રશ, જેમાં છે કૅમેરા અને જેટ સ્પ્રે

પોતાનાં મોંઘાં અને હાઈ-ટેક ગૅજેટ્સ માટે જાણીતી કંપની ડાયસને એક એવું ટૂથબ્રશ લૉન્ચ કર્યું છે જે હાલ સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચાનું વિષય બન્યું છે. ‘ડાયસન કૅમેરાજેટ’ નામનું આ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ અને ફ્લૉસર કોઈ સામાન્ય બ્રશ નથી, એમાં 100k-પિક્સેલના મૅક્રો લેન્સ કૅમેરાનો અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અનોખા બ્રશની કિંમત ૪૯૯.૯૯ ડૉલર એટલે કે ભારતીય રૂપિયામાં આશરે ૪૭,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે.

આ બ્રશમાં આપેલો કૅમેરા પ્રતિ સેકન્ડ ૨૮ ઇમેજનું ઍનૅલિસિસ કરે છે. AI સિસ્ટમ દાંત વચ્ચેની જગ્યાઓને આપમેળે શોધી લે છે અને કૅમેરાની મદદથી બરાબર એ જ જગ્યાએ ૦.૧૫ મિલીલીટર જેટલું લિક્વિડ સ્પ્રે કરીને પ્લાક સાફ કરે છે. વળી યુઝર્સ પોતાના સ્માર્ટફોનની MyDyson ઍપમાં ટૂથબ્રશ દ્વારા થતી પ્રક્રિયા લાઇવ જોઈ પણ શકે છે કે તેમના દાંત કેવી રીતે સાફ થઈ રહ્યા છે.
જોકે આટલું મોંઘું અને બાથરૂમમાં કૅમેરાવાળું બ્રશ જોઈને સોશ્યલ મીડિયા પર લોકો એની ભારે મજાક ઉડાવી રહ્યા છે અને સાથે જ પ્રાઇવસીને લઈને સવાલો પણ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે રમૂજમાં લખ્યું, ‘શું આ બ્રશથી યુટ્યુબ સ્ટ્રીમ કરી શકાશે?’ બીજાએ સવાલ કર્યો કે ‘શું લોકો હવે બ્રશ કરતાં પણ ભૂલી ગયા છે તે કૅમેરાની જરૂર પડી?’ કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી કે ‘હવે ટૂથબ્રશ પણ બાથરૂમમાં આપણી જાસૂસી કરશે.’

જોકે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે કૅમેરા માત્ર બ્રશ કરતી વખતે જ ઍક્ટિવેટ થાય છે અને એનો ડેટા કે લાઇવ વિડિયો ક્લાઉડ પર સેવ થતો નથી કે કોઈ ત્રીજી વ્યક્તિ એને જોઈ શકતી નથી.

offbeat news ai artificial intelligence tech news technology news social media