મ‌ાલિકણનો જીવ બચાવવા માટે ચાર વર્ષનો કૂતરો દીપડા સાથે ભીડી ગયો

18 August, 2019 07:53 AM IST  |  દાર્જિલિંગ

મ‌ાલિકણનો જીવ બચાવવા માટે ચાર વર્ષનો કૂતરો દીપડા સાથે ભીડી ગયો

આને કહેવાય વફાદારી

દાર્જીલિંગમાં એક ડૉગી માલિકણનો જીવ બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વિના દીપડાની સામો થઈ ગયો હતો. વાત એમ હતી કે પશ્ચિમ બંગાળના દાર્જીલિંગ પાસેના સોનાદા ગામમાં એક ઘરના સ્ટોર રૂમમાં જોરજોરથી અવાજ થઈ રહ્યો હતો. એ રૂમમાં મરઘાં રાખવામાં આવ્યા હતા એટલે આટલો શોરબકોર કેમ થઈ રહ્યો છે એ જાણવા માટે માલિકણ અરુણા લામા ત્યાં પહોંચ્યાં અને દરવાજો ખોલ્યો અને જોયું તો અંદર દીપડાની ચમકતી આંખો જોવા મળી. તરત જ અરુણાએ બારણું બંધ કરવાની કોશિશ કરી, પણ એ પહેલાં તો દીપડાએ અરુણા પર હુમલો કરી દીધો. આ જોઈને દૂરથી તેનો પાળેલો ડૉગી ટાઇગર પણ આવી પહોંચ્યો. ચાર વર્ષના ટાઇગરે જોરજોરથી ભસીને અરુણાને દીપડાના પંજામાંથી છોડાવી એટલું જ નહીં, તેની પાછળ ક્યાંય સુધી દોડીને દીપડાને ત્યાંથી ભગાડ્યો પણ ખરો. ૫૮ વર્ષની અરુણાને માથામાં થોડીક ઇજા થઈ છે, પણ તેનો જીવ ખતરામાંથી બહાર છે. પોતાનો જીવ બચી શક્યો એ માટે અરુણા અને તેની દીકરી બન્ને ટાઇગરને આભારી સમજે છે. આ ડૉગીને તેઓ રસ્તા પરથી ઉઠાવીને લાવ્યા હતા. ૨૦૧૭માં જ્યારે રાજ્યમાં મોટા પાયે આંદોલન ચાલી રહ્યા હતા ત્યારે ટાઇગર ભૂખ્યો-તરસ્યો રસ્તા પર ટળવળતો હતો. પહાડીઓમાં એ વખતે ભોજનની પણ તંગી હતી.

આ પણ વાંચોઃ આ ભાઈએ ઝોમૅટો જુગાડ વાપર્યોઃ ફૂડની હોમ ડિલિવરી સાથે ફ્રી-રાઇડ પણ મેળવી

લગભગ ૧૦૪ દિવસ સુધી મંડી બંધ રહી હતી અને ખાવાની તંગી થઈ ગઈ હતી એમ છતાં અરુણા અને તેની દીકરીએ આ ડૉગીને રોજ ખાવાનું આપ્યું. એ પછીયે તેઓ ડૉગીને પોતાને ત્યાં પાળવા નહોતા ઇચ્છતાં. બલ્કે તે પોતાના મૂળ માલિકને ત્યાં જતો રહેશે એવી આશા હતી. જોકે મહિનાઓ સુધી તે ક્યાંય ન ગયો એટલે પરિવારે તેને પોતાને ત્યાં જ રાખી લીધો. આ ઘટના બાદ અરુણા કહે છે, ‘જો એ દિવસે રોડ પર ટળવળતો ટાઇગર ન મળ્યો હોત તો આજે હું આ ઘટના કહેવા માટે જીવતી ન હોત.’

offbeat news hatke news national news