૨૦૦ કૅન્સર પેશન્ટ્સનું ૪.૭૫ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું આ ડૉક્ટરે

05 January, 2021 08:49 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૨૦૦ કૅન્સર પેશન્ટ્સનું ૪.૭૫ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું આ ડૉક્ટરે

ડૉક્ટર તેના પરિવાર સાથે

અમેરિકાના અને પાકિસ્તાની મૂળના ડૉક્ટર ઓમાર અતિકે લગભગ ૨૦૦ જેટલા કૅન્સરના પેશન્ટ્સનું ૬.૫૦ લાખ ડૉલરનું દેવું માફ કરીને મબલક દુવાઓ કમાયા છે. પોતાના અનેક પેશન્ટ્સ સારવારના ખર્ચને કારણે લાંબા સમયથી ચડેલી દેવાની રકમ ચૂકવવા સક્ષમ ન હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે આ તમામ પેશન્ટ્સનું બિલ માફ કરવાનો નિર્ણય લીધો હતો. પેશન્ટ પ્રત્યે ડૉક્ટરે દાખવેલી ઉદારતા અને માનવીય લાગણીને નેટિઝન્સે ખૂબ વખાણી છે.

ડૉક્ટર અતીક બિલિંગ કંપની સાથે કામ કરી રહ્યા હતા એ સમયે તેમને એક સમયના પોતાના પેશન્ટની બાકી નીકળતી રકમ વિશે જાણ થઈ હતી. સારવારના ખર્ચની રકમ મેળવવાની પ્રોસેસ શરૂ થતાં તેમને ખબર પડી કે મોટા ભાગના પેશન્ટ્સ દેવામાં ડૂબી ગયા છે. એ જોઈને તેમણે તમામ પેશન્ટ્સની સારવારના ખર્ચ પેટે ચૂકવવાની નીકળતી રકમ માફ કરવાનો નિર્ણય લીધો હતો. દેવાની રકમ માફ કર્યા બાદ તેમણે પ્રત્યેક પેશન્ટને ક્રિસમસનું કાર્ડ પાઠવ્યું હતું.

કાર્ડમાં જણાવાયું હતું કે ૨૯ વર્ષ સુધી કૅન્સર પેશન્ટ્સ માટે સમર્પિત રહીને સેવા આપ્યા બાદ ડૉક્ટરે તેમનું પાઇન બ્લફ સ્થિત અરકાન્સાસ કૅન્સર ક્લિનિક બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેના પગલે તેમના જે પેશન્ટ્સનું મેડિકલ બિલ ચૂકવવાનું બાકી નીકળે છે તેમનું બિલ માફ કરવાનો નિર્ણય લીધો છે.

ડૉક્ટરનું કહેવું છે કે મારા પેશન્ટ્સની સારવાર કરતી વેળાએ અનેક વાર મેં તેમને પોતાના સ્વાસ્થ્ય સાથે સારવારની ખર્ચની ચિંતા કરતા જોયા છે. આવા લોકોને રાહત મળે એ હેતુથી મેં અને મારી પત્નીએ દેવું માફ કરવાનો નિર્ણય લીધો હતો.

offbeat news international news united states of america pakistan