ડેટિંગ ઍપ પર ગર્લફ્રેન્ડ ન મળી એટલે ફેસબુક પર જાતને વેચવા કાઢી

04 October, 2020 09:04 AM IST  |  Mumbai | Mumbai correspondent

ડેટિંગ ઍપ પર ગર્લફ્રેન્ડ ન મળી એટલે ફેસબુક પર જાતને વેચવા કાઢી

ડેટિંગ ઍપ પર ગર્લફ્રેન્ડ ન મળી એટલે ફેસબુક પર જાતને વેચવા કાઢી

બ્રિટનના કેટરિંગ ટાઉનમાં ૩૦ વર્ષનો ડ્રાઇવર ઍલન ક્લેટન ઘણા વખતથી એક ગર્લફ્રેન્ડની તલાશમાં હતો. તેને હતું કે ઑનલાઇન ડેટિંગ ઍપ્સ પર તો કોઈક મળી જ જશે. જોકે ડેટિંગ સાઇટ્સ પરથી પણ ગર્લફ્રેન્ડ શોધવામાં નિષ્ફળતા મળતાં તેણે હતાશ થઈને કોઈને માન્યામાં ન આવે એવો અખતરો કર્યો છે. ઍલને ફેસબુક પર એક પોસ્ટ લખીને પોતાની જાતને વેચાણ માટે મૂકી છે. જાણે પોતે કોઈ વેચાણ માટેની ચીજ હોય એ રીતે તેણે પોતે આઇટમ ફૉર સેલ હોય એવી રજૂઆત કરી છે. ફેસબુક-પોસ્ટમાં પોતાના માટે ‘વિનામૂલ્ય ઉપલબ્ધ’ અને ‘સાર, વપરાયેલી સ્થિતિ’ જેવા શબ્દપ્રયોગ પણ કર્યા છે.
ફેસબુક પર ફોટોગ્રાફ્સ સાથે તેણે લખ્યું છે, ‘હેલો લેડીઝ! મારું નામ ઍલન. હું ૩૦ વર્ષનો છું. મારે વાતો કરવા અને સંગાથ માટે સ્નેહાળ સ્ત્રીમિત્ર અને મિત્રો જોઈએ છે. આગામી દિવસોમાં મારે કેટલાંક લગ્નોમાં જવાનું છે અને ત્યાં હું એકલો જવા ઇચ્છતો નથી. મેં ડેટિંગ સાઇટ્સ પર પ્રયત્ન કર્યા, પરંતુ નસીબે સાથ ન આપ્યો એથી મેં આ રસ્તો અપનાવ્યો છે.
ફેસબુક પર એ પોસ્ટ લખ્યા પછી ઍલનને ઈ-મેઇલમાં ઢગલાબંધ સંદેશા મળતાં એ ખુશખુશાલ થઈ ગયો છે. જોકે ઈ-મેઇલના ઇન-બૉક્સમાં જે સંદેશા હતા એ માત્ર સહાનભૂતિ અને શુભેચ્છાના સંદેશા વધુ હતા. બહુ જૂજ મહિલાઓએ જ તેની દોસ્તી કરવામાં થોડો રસ પણ દાખવ્યો હતો. જ્યારે ખરેખર કોઈ કન્યા તેની સાથે દોસ્તી કરવા કે ગર્લફ્રેન્ડ બનવા તૈયાર થઈ નહોતી. જોકે ઍલનકુમારે હજી આશા છોડી નથી. ‘કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી’ એ પંક્તિઓમાં ઍલન ક્લેટનને પૂર્ણ શ્રદ્ધા છે.

international news offbeat news facebook