પ્રાણીઓની સાથે તબેલામાં જ સૂઈ જાય છે બ્રિટનના હરણપ્રેમી ભાઈ

04 January, 2021 09:36 AM IST  |  Velsa | Gujarati Mid-day Correspondent

પ્રાણીઓની સાથે તબેલામાં જ સૂઈ જાય છે બ્રિટનના હરણપ્રેમી ભાઈ

રોબ મૉર્ગન

બ્રિટનના વેલ્સ દેશના સ્વાન્સી પ્રાંતમાં રોબ મૉર્ગન નામના એક અનોખા રેન્ડિયરપ્રેમી રહે છે. એ જ રેન્ડિયર જે ક્રિસમસમાં સૅન્ટાનો રથ ચલાવે છે. શીત પ્રદેશમાં થતું આ હરણ જેવું પ્રાણી બ્રિટનના કેટલાક ભાગોમાં પાળતુ પ્રાણીની જેમ ઉછેરવામાં આવે છે. વિવિધ ભૌગોલિક સ્થિતિ ધરાવતા પ્રદેશોમાં સ્થાનિક દુધાળાં ઢોરનો ઉછેર કરવામાં આવતો હોય છે. સ્થાનિક ભરવાડ કે રબારી જેવી પશુપાલન કરતી જાતિઓના લોકો ગાયોની ગૌશાળા કે ગમાણો અને ભેંસો કે ઘોડાના તબેલાની માફક તેમનાં દુધાળાં કે માલવાહક પશુઓના તબેલા રાખતા હોય છે, એમ બ્રિટનના વેલ્સ દેશમાં રેન્ડિયર નામના દુધાળા ઢોરનો ઉછેર કરવામાં આવે છે. સ્વાન્સી પ્રાંતમાં રેન્ડિયર્સનો વેલ્સનો સૌથી મોટો એક તબેલો છે, જેનો માલિક છે રોબ મૉર્ગન. રેન્ડિયરના ગાઢા દૂધનો ઓછા પ્રમાણમાં પણ વિશિષ્ટ ઉપયોગ કરવામાં આવે છે. રેન્ડિયર સૅન્ટા ક્લૉઝને અતિપ્રિય હોવાથી ક્રિસમસમાં એનું મહત્ત્વ વિશેષ હોય છે. હરણને પાળનારા રોબભાઈએ તેમના તબેલામાં એટલા પ્રેમથી આ પ્રાણીઓને ઉછેર્યાં છે કે તેઓ તેમને પોતાના સંતાનની જેમ સાચવે છે અને એટલે જ સ્થાનિકોમાં રોબભાઈ મિસ્ટર ક્રિસમસ તરીકે જાણીતા છે. તેમણે ૧૩ વર્ષ પહેલાં રેન્ડિયર ઉછેર કેન્દ્ર એટલે કે રેન્ડિયરના તબેલાની શરૂઆત કરી હતી. રોબ મૉર્ગન અને તેમનો ૧૦ વર્ષનો દીકરો લૉઇડ એ પશુધનની ખૂબ કાળજી રાખે છે. મે મહિનો રેન્ડિયર્સની પ્રજોત્પત્તિનો મહિનો ગણાય છે. એ મહિનામાં બચ્ચાંના જન્મ પ્રાણીઓને ઝાઝી તકલીફ વગર સુખરૂપ થાય એ માટે રોબ મૉર્ગન અને તેમનો દીકરો રેન્ડિયર્સના તબેલામાં સૂઈ રહે છે.

offbeat news international news great britain