કોરોના મહામારીમાં લગ્નમાં સેંકડો લોકો આવ્યા, પરંતુ કોઈ કાર્યવાહી નહીં?

07 October, 2020 09:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના મહામારીમાં લગ્નમાં સેંકડો લોકો આવ્યા, પરંતુ કોઈ કાર્યવાહી નહીં?

તસવીર સૌજન્યઃ સહેલી ઈવેન્ટ્સ

વિશ્વમાં કોરોનાના કહેરને લીધે દરેક શુભ પ્રસંગો અટકી પડ્યા છે ખાસ કરીને લગ્ન. જોકે લંડનમાં એક એવા લગ્ન થયા જેમાં સેંકડો લોકો જમા પણ થયા અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન પણ થયું હતું, જેથી કોઈ કાયદાકીય કાર્યવાહી પણ થઈ નહોતી.

બે ઑક્ટોબરે ચેન્સફોર્ડ, એસેક્સના બ્રેક્સટેડ પાર્કમાં વિનાલ પટેલ અને રોમા પોપટના લગ્ન થયા હતા. વેડિંગ પ્લાનર સહેલી મીરપુરીએ મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખતા એવી રીતે આયોજન કર્યું કે સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન પણ થાય. લગ્ન સમયે વરસાદ પણ પડ્યો પરંતુ પ્રસંગમાં કોઈ ખલેલ પહોંચ્યો નહીં.

ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. લગ્નમાં ફક્ત 15 લોકોને જ બોલાવી શકાય છે એવામાં લગ્નમાં આવેલા અન્ય મહેમાનો કારમાં જ બેઠા રહ્યા અને મર્યાદિત લોકો જ કારની બહાર હતા. આ કાર જ્યાં પાર્ક હતી ત્યાં એક સ્ક્રિન હતું જેમાં લગ્ન સ્થળની લાઈવ ફુટેજ દેખાતી હતી.

વેડિંગ પ્લાનર મીરપુરીએ કહ્યું કે શરૂઆતમાં આ પ્લાનને લોકો મજાકમાં લઈ રહ્યા હતા પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને સમજવું પણ જરૂરી હતું. અમે કારમાં બેઠેલા મહેમાનોને નાસ્તો, હેન્ડ જેલ અને પ્લાસ્ટીકની થેલીઓ આપી હતી. 

offbeat news international news london