બોલો, લગભગ વીસ વર્ષ સુધી લાકડાના ભૂસામાંથી બનતી કુકીઝ વેચાતી રહી

30 December, 2020 09:05 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

બોલો, લગભગ વીસ વર્ષ સુધી લાકડાના ભૂસામાંથી બનતી કુકીઝ વેચાતી રહી

જર્મનીના વાયવ્ય પ્રાંતના કાર્લશ્રુહે  શહેરની એક બેકરીમાં અલગ પ્રકારની કુકીઝ અને બિસ્કિટ્સ વેચાતાં હતાં. લગભગ બે દાયકાથી ત્યાં લાકડાના વહેર અને ભૂસા વડે બનાવાયેલાં બિસ્કિટ અને કુકીઝ વેચાતાં હતાં. મેઇલ ઑર્ડર બિઝનેસ કરતા જર્મનીના બેકરનો પોતે વેજિટેબલ પ્રોડક્ટ્સ વેચતો હોવાનો દાવો અદાલતે સ્વીકાર્યો નહોતો. કાર્લશ્રુહે શહેરની અદાલતે તેને લાકડાના ભૂસાના બનેલાં કુકીઝ-બિસ્કિટ્સ વેચવાની મનાઈ ફરમાવી હતી. 

આખા જર્મનીમાં પ્રોડક્ટ્સ વેચતો આ બેકરીવાળો તેના કુકીઝ અને બિસ્કિટ્સના પૅકિંગ પર એમાં વપરાતી સામગ્રીમાં લાકડું વહેરતી વેળા નીકળતું ભૂસું પણ સામેલ હોવાનું છાપતો જ હતો. એ બાબતે ૨૦૦૪માં સત્તાવાળાઓને જાણ પણ કરી હતી. એની કોઈ પ્રતિક્રિયા ન જણાઈ, પરંતુ છેક ૨૦૧૭માં કુકીઝ અને બિસ્કિટ્સનાં સૅમ્પલ્સના રૂટીન ચેકિંગ દરમ્યાન આ બાબત સરકારી અધિકારીઓના ધ્યાનમાં આવી હતી. ત્યાર પછી સરકારી તંત્રે લાકડાના ભૂસાવાળાં કુકીઝ-બિસ્કિટ્સ વેચવાની બેકરીને મનાઈ ફરમાવી હતી. બેકરીના માલિકે એ મનાઈહુકમને અદાલતમાં પડકાર્યો હતો. એ પડકાર અરજીના જવાબમાં અદાલતે મનાઈહુકમ યથાવત્ રાખ્યો હતો.

offbeat news international news germany