તુર્કીના આકાશમાં યુએફઓના આકારમાં વાદળાં જોવા મળતાં નાગરિકો આશ્ચર્યચકિત

22 January, 2023 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવામાન વિભાગના જનરલ ડિરેક્ટરેટની વેબસાઇટ દ્વારા શૅર કરવામાં આવેલી માહિતી મુજબ પવનની તીવ્ર વધઘટને કારણે આકાશમાં લેન્સ વાદળો રચાયાં હતાં

તુર્કીના આકાશમાં યુએફઓના આકારમાં વાદળાં જોવા મળતાં નાગરિકો આશ્ચર્યચકિત

તુર્કીના બુર્સા શહેરની ઉત્તર-પશ્ચિમે આકાશમાં ગુરુવારે સવારે યુએફઓના આકારમાં વાદળ જોવા મળતાં શહેરના નાગરિકો આશ્ચર્યચકિત થયા હતા. યુએફઓ જેવા દેખાતા આ વાદળને જોઈને લોકો મોબાઇલમાં તેની તસવીર તેમ જ વિડિયો લેવા માંડ્યા હતા. લગભગ એક કલાક સુધી આકાશમાં જોવા મળેલું આ વાદળ બુર્સાના ગુરસુ, ઓસ્માનગાઝી, કેસ્ટેલ, નિલુફર અને યિલદિરીમ જિલ્લામાંથી જોવા મળ્યું હતું.

હવામાન વિભાગના જનરલ ડિરેક્ટરેટની વેબસાઇટ દ્વારા શૅર કરવામાં આવેલી માહિતી મુજબ પવનની તીવ્ર વધઘટને કારણે આકાશમાં લેન્સ વાદળો રચાયાં હતાં.

આ કુદરતી ઘટનાથી આશ્ચર્યચકિત થયેલા ઘણા નાગરિકોએ તેમના મોબાઇલ ફોનમાં લેન્સ ક્લાઉડની રચનાના અદ્ભુત દૃશ્યને રેકૉર્ડ કર્યું હતું. યુએફઓ જેવા દેખાતાં વાદળોના વિડિયો અને ફોટો પાછળથી સમગ્ર દેશમાં સોશ્યલ મીડિયા પર વ્યાપકપણે શૅર કરવામાં આવ્યા હતા.

ઓરોગ્રાફિક નામની કુદરતી ઘટનાને કારણે રચાતા સ્થિર વાદળ કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં જ્યાં વિકરાળ પવનો હોય ત્યાં દેખાય છે. 

offbeat news turkey