પોતાના વાળની ચોટલી પર લટકીને પચીસ મિનિટ સુધી જિમ્નૅસ્ટિક્સ અને ધ્યાન-સાધના કરવાનો રેકૉર્ડ

19 May, 2025 02:02 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

લૈલા નૂન નામની સર્કસ પર્ફોર્મરે તેના વાળની મજબૂતાઈનો પરચો આપતો અનોખો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. વાળનો અંબોડો બાંધી એને રસ્સીથી બાંધીને એના સહારે લૈલાએ પહેલાં તો હવામાં લટકીને જિમ્નૅસ્ટિક્સના ખેલ કર્યા હતા.

લૈલા નૂન

અમેરિકાના રીડવુડ નૅશનલ ઍન્ડ સ્ટેટ પાર્ક્સમાં લૈલા નૂન નામની સર્કસ પર્ફોર્મરે તેના વાળની મજબૂતાઈનો પરચો આપતો અનોખો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. વાળનો અંબોડો બાંધી એને રસ્સીથી બાંધીને એના સહારે લૈલાએ પહેલાં તો હવામાં લટકીને જિમ્નૅસ્ટિક્સના ખેલ કર્યા હતા અને પછી ધીમે-ધીમે સ્થિર થઈને પલાંઠી વાળીને ધ્યાન મુદ્રામાં પચીસ મિનિટ ૧૧.૩૦ સેકન્ડ સુધી હવામાં અધ્ધર રહેવાનો સ્ટન્ટ કર્યો હતો. એને સૌથી લાંબો સમય વાળની પોનીના સહારે હવામાં લટકવાનો રેકૉર્ડ કહેવાય છે. ૩૮ વર્ષની લૈલા છેલ્લાં બે વર્ષથી આ સ્ટન્ટ માટે તૈયારીઓ કરી રહી હતી. તે સર્કસમાં પણ હેર હૅન્ગર સ્ટન્ટ એટલે કે વાળના સહારે હવામાં ઊંચે લટકવાના સ્ટન્ટ કરે છે.

લૈલા નૂને જ્યારે વૃક્ષની ડાળીએ લગાડેલી રસ્સીથી પોતાની પોની બાંધીને આ સ્ટન્ટ કર્યો ત્યારે ગિટારનું હળવું મ્યુઝિક વાગતું હતું. પહેલાં તેણે એ મ્યુઝિકના સહારે બૉડી મૂવમેન્ટ્સ કરીને જિમ્નૅસ્ટિક્સના હળવા ટ્‍વિસ્ટ્સ ઍન્ડ ટર્ન્સ કર્યા હતા અને પછી ધીમે-ધીમે સ્થિર થઈને ધ્યાનમુદ્રામાં સમય વિતાવ્યો હતો.

united states of america guinness book of world records sports viral videos gujarati mid-day offbeat news