13 June, 2024 02:39 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
દીપડાને ડાયટિંગ
ગયા માર્ચ મહિનામાં ચીનના સિચુઆન પ્રાંતના પાન્ઝિહુઓ પાર્ક ઝૂમાં એક દીપડાની તસવીરો સોશ્યલ મીડિયા પર જબરી ફેમસ થઈ હતી. જાડાપાડા પેટવાળા દીપડા માટે ઝૂના અધિકારીઓની જબરદસ્ત ટીકા થઈ હોવાથી અધિકારીઓએ આ જંગલી પ્રાણીનું વજન ઉતારવાનું બીડું ઝડપ્યું હતું. એક તો જંગલી પ્રાણીને પાંજરામાં કેદ કરીને રાખવું અને એ પણ આવું મેદસ્વી બનાવીને એ બે વાતે પ્રાણી નિષ્ણાતોએ જબરો ઉપાડો લીધો હતો. આખરે ઝૂના અધિકારીઓએ લેખિત જાહેરાત બહાર પાડી હતી કે દીપડાને ડાયટિંગ કરાવીને એનું વજન ઉતારવાનો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવશે. આ વાતને પણ બે મહિના થઈ ગયા છે અને ઝૂવાળાઓએ દીપડાનું વજન ઉતારવા બાબતે હથિયાર હેઠાં મૂકી દીધાં છે. એનું રેગ્યુલર ચેકઅપ થાય છે અને પ્રાણીનિષ્ણાતોના કહ્યા મુજબ જ ફૂડ આપવામાં આવે છે અને એનું પાંજરું ડબલ સાઇઝનું કરી નાખીને એને ભાગદોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. એમ છતાં છેલ્લા બે મહિનામાં એનું વજન ટસનું મસ નથી થયું. આ દીપડો ૨૦૧૦માં આ ઝૂમાં આવ્યો ત્યારે એ બે વર્ષનો હતો અને હાલમાં ૧૬ વર્ષનો છે. સામાન્ય રીતે દીપડાનું આયુષ્ય ૨૩ વર્ષની આસપાસનું હોય છે. પ્રાણીનિષ્ણાતોનું કહેવું છે કે દીપડાનું વજન ભલે વધારે હોય, મેડિકલી એ સ્વસ્થ છે.