ખંજવાળવાનો ધંધો શરૂ કરીને ચીની માણસે મચાવી ધમાલ

05 September, 2026 10:59 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

ખંજવાળવાનો ધંધો શરૂ કરીને ચીની માણસે મચાવી ધમાલ, કલાકના ૪૨૦૦ રૂપિયા વસૂલ કરીને મહિને કમાય છે ૧૪ લાખ રૂપિયા, આ એક કલાકના ‘ખંજવાળ સેશન’ માટે ગ્રાહકો પાસેથી ૩૦૦ યુઆન એટલે કે આશરે ૪૨૦૦ રૂપિયાની ફી વસૂલ કરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય એઆઈ

આપણને જ્યારે શરીર પર ખંજવાળ આવે ત્યારે આપણે કાં તો જાતે ખંજવાળી લઈએ છીએ અથવા ઘરના કોઈ સભ્યને કહીએ છીએ, પરંતુ ચીનના શેન્ઝેન શહેરના ૩૨ વર્ષના યુવક ઝાંગ શિયાઓકિયાઓએ આ ત્રાસજનક રોજિંદી ક્રિયાને એક મોટા વ્યવસાયમાં ફેરવી દીધી છે. તેણે બૉડી-સ્ક્રૅચિંગનાં એટલે કે ખંજવાળવાનાં બે આઉટલેટ ખોલ્યાં છે જેનાથી તે દર મહિને આશરે ૧૦,૦૦,૦૦ યુઆન એટલે કે ભારતીય ચલણમાં માસિક ૧૪ લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. આ પ્રકારના દુનિયાના સંભવિત પહેલા સ્પા-સેન્ટરમાં ગ્રાહકો મસાજ કરાવવાની જેમ બેડ પર સૂઈ જાય છે અને તાલીમ પામેલો સ્ટાફ ખાસ ડિઝાઇન કરેલા પૉઇન્ટેડ નખની મદદથી ગ્રાહકની પીઠ અને શરીરના અન્ય ભાગો પર હળવેથી ખંજવાળી આપે છે. આ એક કલાકના ‘ખંજવાળ સેશન’ માટે ગ્રાહકો પાસેથી ૩૦૦ યુઆન એટલે કે આશરે ૪૨૦૦ રૂપિયાની ફી વસૂલ કરવામાં આવે છે. ઝાંગના જણાવ્યા મુજબ આ સર્વિસથી ગ્રાહકોનો તનાવ દૂર થાય છે અને તેમને શાંતિથી ઊંઘ આવે છે. તેના ૭૦ ટકા ગ્રાહકો પુરુષો છે. એક પત્ની પોતાના પતિની પીઠ ખંજવાળતી હોય એવો વિડિયો જોઈને ઝાંગને આ અનોખો આઇડિયા ક્લિક થયો હતો. એની કમેન્ટ્સમાં લોકોએ લખ્યું હતું કે જો કોઈ અમારી પીઠ ખંજવાળી આપે તો અમે પૈસા આપવા પણ તૈયાર છીએ. આ વાત મગજમાં બેસી જતાં ઝાંગે પ્રોફેશનલ સ્ક્રૅચિંગ ટેક્નિક વિકસાવી અને આ બિઝનેસ શરૂ કરી દીધો. હાલમાં તેનાં બે આઉટલેટ ધમધોકાર ચાલી રહ્યાં છે અને તે સમગ્ર ચીનમાં આવાં ૧૦૦થી વધુ સેન્ટર ખોલવાનું આયોજન કરી રહ્યો છે.

china business news national news international news offbeat news