24 July, 2026 04:32 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ડ્રન્ક ડ્રાઇવિંગના ગુનામાં જેલ જવું ન પડે એ માટે કૉફિનમાં દફન થઈને મરી ગયાનું નાટક કર્યું
ચીનમાં સી અટક ધરાવતા એક યુવાનને પોલીસે ત્રીજી વાર ડ્રન્ક ડ્રાઇવિંગ માટે પકડ્યો હતો. સામાન્ય રીતે દંડ વસૂલીને તે છૂટી જાત, પરંતુ ત્રીજી વાર એકનો એક ગુનો કર્યો હોવાથી તેની પર કેસ ચાલ્યો અને તેને જેલની સજા થાય એવી જોગવાઈ હતી. જોકે કેસ પોતાના હાથમાંથી સરી રહ્યો છે એવું ખબર પડતાં સીભાઈએ દાદી અને મમ્મીની મદદથી મરી જવાનું નાટક કર્યું. તેણે ઘરમાં ખૂબબધી દવાઓના રૅપર્સ આમતેમ ફેલાવી દીધાં જેથી લોકોને લાગે કે તેણે દવાનો ઓવરડોઝ લઈ લીધો છે. બીજી તરફ તેની મમ્મી અને દાદીએ પણ જાણે સી મરી ગયો છે એમ રડારોળ શરૂ કરી દીધી. રાતભર તેના શબને કૉફિનમાં મૂકીને બીજા દિવસે તેને દફન કરવાની વિધિ પણ કરવામાં આવી. જોકે રાતના અંધારામાં સીભાઈ કૉફિનમાંથી નીકળી ગયા અને અંદર એટલા જ વજનનો સામાન ભરીને એને બીજા દિવસે ચર્ચમાં દફનાવવામાં પણ આવ્યો. એ જ રાતે સી શહેર છોડીને ભાગી ગયો. પોલીસ જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે તેનું શબ દફનાવાઈ ચૂક્યું હતું અને ડેથ સર્ટિફિકેટ કે અંતિમ સંસ્કારનો રેકૉર્ડ મળ્યાં નહીં. પોલીસે કેસ ઓપન રાખ્યો. આખરે શંકા જતાં પોલીસે કબર ખોદી તો ખબર પડી કે એમાં આરોપીનું શબ જ નહોતું. રિયલ આરોપી તો જીવતો હતો. આખરે પોલીસે સીભાઈને અન્ય શહેરમાંથી શોધી કાઢ્યા. પહેલાં ડ્રન્ક ડ્રાઇવિંગ માટે સીને પાંચ મહિનાની જેલ થવાની હતી, પરંતુ તેણે જે કાંડ કર્યો છે એને કારણે તેની સજા બમણી થઈ શકે છે એટલું જ નહીં, તેની દાદી અને મમ્મીને પણ સજા થશે.