પ્રેમિકા સાથે જીવતેજીવ લગ્ન ન થઈ શક્યા તો મૃત્યુ પછી શબ સાથે લગ્ન કર્યા

28 October, 2019 09:09 AM IST  |  ડાલિયાન, ચીન

પ્રેમિકા સાથે જીવતેજીવ લગ્ન ન થઈ શક્યા તો મૃત્યુ પછી શબ સાથે લગ્ન કર્યા

મૃત ગર્લફ્રેન્ડ સાથે યુવકે કર્યા લગ્ન

ચીનના ડાલિયાન શહેરમાં ૩૫ વર્ષનો ઝૂ શિનાન જ્યારે યાંગ યુનિવર્સિટીમાં ભણતો હતો ત્યારથી તેનાથી એક વર્ષ નાની યાંગ સાથે પ્રેમમાં હતો. બન્ને ખૂબ પ્રેમમાં હતા અને પહેલાં સેટલ થઈને લગ્ન કરવાનું નક્કી કરેલું. ૨૦૧૩માં તેમણે લગ્ન કરવા માટે કોર્ટમાં અરજી કરેલી. જોકે એ પછી ત્રણ જ મહિનામાં યાંગને બ્રેસ્ટ-કૅન્સર થયું. યાંગે સર્જરી અને કીમોથેરપી વગેરે સારવાર લઈને ‌બીમારીને માત આપવાની મથામણ કરી. જો કે એક વર્ષ પછી ફરીથી કૅન્સરનો ઊથલો માર્યો. ચીનની અનેક હૉસ્પિટલોમાં યાંગની સારવાર માટે ટ્રાય કરી જોઈ પણ બધું જ બેઅસર રહ્યું. જુલાઈ મહિના પછી તો તે હૉસ્પિટલની પથારીમાં જ રહી. જોકે એ પહેલાં તેણે પોતાનાં લગ્ન માટે વેડિંગ ગાઉનની પસંદગી કરી રાખી હતી. લગ્ન કરીને ઝુ શિનાન સાથે જીવવાની યાંગની ઇચ્છા અધૂરી જ રહી ગઈ. ૧૪ ઑક્ટોબરે તે કોમામાં ચાલી ગઈ અને એ પછી ગણતરીના દિવસોમાં જ તેણે આખરી શ્વાસ લીધા. આ આખાય સમયગાળા દરમ્યાન ઝુએ તેનો સાથ છોડ્યો નહોતો. તેના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર વખતે યાંગને તેનું ફેવરિટ વેડિંગ ગાઉન પહેરાવવામાં આવ્યું અને ઝૂએ તેના શબ સામે લગ્નની વિધિ કરી અને તેની આસપાસ સેંકડો ગુલાબ અને ફળોના બુકેની સજાવટ કરી હતી.

china offbeat news hatke news