વિડિયો-ગેમને રવાડે ચડેલા બાળકો ઘરની અગાશી પરથી કૂદી પડ્યા

22 May, 2020 09:15 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

વિડિયો-ગેમને રવાડે ચડેલા બાળકો ઘરની અગાશી પરથી કૂદી પડ્યા

બાળકો વીડિયો ગેમ રમતાં મકાનની છત પરથી કૂદી પડ્યા...

ચીનના હેન્દાન શહેરમાં વિડિયો-ગેમના રવાડે ચડેલાં બે બાળકો તેમના ઘરની અગાશીમાંથી કૂદી પડ્યા બાદ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. એ બાળકોના પેરન્ટ્સે ટેન્સેન્ટ નામની વિડિયો ગેમિંગ કંપની સામે કોર્ટમાં કેસ કર્યો છે. ૧૧ વર્ષના છોકરાને તેની ૯ વર્ષની બહેને કહ્યું કે મિની વર્લ્ડ અને ગેમ ઑફ પીસ રમીએ છીએ એમાં જેમ મકાન પરથી કૂદીને પછી માણસ ફરી જીવતો થાય છે એ રીતે આપણે ફરી જીવતાં થઈએ છીએ કે નહીં એ જોઈએ. ત્યાર પછી બન્ને તેમના ૫૦ ફુટ ઊંચા ઘરની અગાશીમાંથી કૂદી પડ્યાં હતાં. બન્ને બાળકોને માતા-પિતાએ સ્માર્ટફોન અપાવ્યા પછી તેઓ દિવસના ૮ કલાક તેમની ફેવરિટ વિડિયો-ગેમ રમવામાં પસાર કરતાં હતાં. ૨૨ માર્ચે બન્ને ઉપરથી કૂદી પડ્યા પછી તેમનાં અનેક હાડકાં ભાંગી ગયાં હોવાથી ગંભીર ઈજા પહોંચી છે. ૩૯ વર્ષના પિતા શેન હુઇયોન્ગ અને એટલી જ ઉંમરની માતા ફુ રુક્સિયા કહે છે કે બન્નેની અનેક સર્જરી કરવામાં આવી છે. ધીમે-ધીમે સાજાં થઈ રહેલાં બાળકોને વિડિયો-ગેમ્સ કરતાં વાસ્તવિકતા જુદી હોવાનું સમજાઈ રહ્યું છે, પરંતુ ટેન્સેન્ટ કંપની એ ઘટનાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. તેઓ કહે છે ગેમ્સની નકલ કરવાની પ્રેરણા માટે એ ગેમ્સ તૈયાર કરનારા મિકૅનિક્સ એટલે કે ડેવલપર મિનીવાન ટેક્નૉલૉજી કંપની જવાબદાર છે. જોકે સોશ્યલ મીડિયા યુઝર્સ એ ઘટના માટે બાળકો પ્રત્યે બેદરકાર રહેવા બદલ માતા-પિતાને જ જવાબદાર ગણે છે.

international news offbeat news national news