મરઘા-મરઘીનાં રંગેચંગે થયાં લગ્ન, જાનમાં જોડાયા બીજા મરઘા

24 December, 2018 07:08 PM IST  | 

મરઘા-મરઘીનાં રંગેચંગે થયાં લગ્ન, જાનમાં જોડાયા બીજા મરઘા

જ્યૉર્જિયાના ઍકવર્થ ટાઉનમાં રહેતાં એરિન બૅન્કસ્ટન નામના બહેને ઘરના વરંડામાં થોડાક મરઘા પાળ્યા છે. વાત એમ હતી કે એરિન અને તેના હસબન્ડ માર્કે આ બે મરઘા-મરઘીને મોતના મુખમાં જતાં બચાવ્યાં હતાં. ૨૦૧૭ના મે મહિનામાં આ બન્ને મરઘાં એક બંધ થઈ ગયેલા ચિકન ફાર્મમાં માંદી હાલતમાં પડ્યાં હતાં. મરઘીના પગે ફ્રૅક્ચર થયું હોવાથી એ લિટરલી ઘસડાઈ રહી હતી.



એવા સંજોગોમાં મરઘો દૂરના વાડામાં હતો એમ છતાં એણે દૂર રહ્યે-રહ્યે એને ખૂબ સર્પોટ કર્યો હતો. એરિન અને માર્ક આ બન્નેને લઈને ઘરે આવ્યાં અને એમની સારવાર કરાવી. એમનું નામ પાડવામાં આવ્યું મિસ્ટર ઍન્ડ મિસિસ મેફ્લાવર. બન્ને એકબીજાથી સહેજે છૂટાં પડતાં ન હોવાથી એરિનને લાગ્યું કે એમનાં ઑફિશ્યલી લગ્ન કરાવીએ તો કેવું? બન્ને ચિકન્સને નવડાવી-ધોવડાવીને અને દુલ્હા-દુલ્હનની જેમ સજાવીને એમના ટચૂકડા ઘરની બહાર રમવા માટે છૂટાં મૂકવામાં આવ્યાં.


 


બન્નેને જાણે ખબર પડતી હોય એમ એક યુગલ તરીકે તેમણે ફોટોગ્રાફર્સને મજાના પોઝ પણ આપ્યા હતા. કપલે પાળેલા અન્ય મરઘા અને બીજાં પ્રાણીઓ આ લગ્નની બારાતમાં મહાલતાં દેખાયાં હતાં. વેડિંગ નિમિત્તે ખાસ કેક તૈયાર કરાવવામાં આવી હતી અને એ દિવસે બધાં જ પેટ્સને મોજ પડે એવું ભોજન આપવામાં આવ્યું હતું.

એરિનનું કહેવું છે કે દરેક પ્રાણીમાં પણ ખાસ પ્રકારની ફીલિંગ્સ હોય છે જ એ બાબતે માણસો જાગૃત થાય તો પ્રાણીઓની રિસ્પેક્ટ કરતા થશે. એરિને આ મેસેજ સાથે મિસ્ટર ઍન્ડ મિસિસ મેફ્લાવરનું ખાસ ફેસબુક-પેજ પણ શરૂ કર્યું છે. આ પેજમાં અવારનવાર આ યુગલની તસવીરો અને એમણે નવું શું કર્યું એ શૅર કરવામાં આવશે.

offbeat news