11 December, 2025 02:29 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છત્તીસગઢમાં એક ખોફનાક ઘટના સામે આવી છે. એક પત્નીએ પતિ પરનો ગુસ્સો ઉતારવા માટે જે કર્યું એ કદાચ કોઈ દુશ્મન સાથે પણ ન કરે. રાયપુરમાં રહેતા અરુણ પટવાને તેની જ પત્નીએ પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દીધો હતો. સોમવારે મોડી સાંજે ભત્રીજીનાં લગ્ન પતાવીને અરુણ પટવા ઘરે આવ્યો એ પછી પત્ની સાથે ઝઘડો થયો હતો. તેમના ઘરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો આમ વાત બની ગઈ હતી. તેમનાં લગ્નને બાવીસ વર્ષ થઈ ગયાં હતાં અને છેલ્લાં થોડાંક વર્ષોથી બન્ને વચ્ચેનો મતભેદ હવે મનભેદમાં પલટાઈ ગયો હતો. પત્નીના ત્રાસથી કંટાળીને અરુણ પટવા પોલીસમાં પણ ફરિયાદ કરી ચૂક્યા હતા, પરંતુ દરેક વખતે તેમને સમજાવીને પાછા ઘરે મોકલી દેવામાં આવતા. સોમવારે રાતે થયેલા ઝઘડા પછી અરુણ રૂમમાં સૂવા જતો રહ્યો હતો, પરંતુ પત્ની બહાર ધૂંધવાતી રહી હતી. અડધી રાતે અચાનક જ તેણે બહાર પડેલી બાઇકમાંથી પેટ્રોલ કાઢ્યું, સૂતેલા પતિ પર છાંટ્યું અને પતિ કંઈ સમજે એ પહેલાં આગ ચાંપી દીધી અને દરવાજો બહારથી બંધ કરીને ત્યાંથી નીકળી ગઈ. આગની જ્વાળાઓમાં લપેટાયેલો અરુણ જોરજોરથી બચાવ માટે ચિલ્લાતો રહ્યો. પાડોશીઓને એ સંભળાતાં તરત ઘટનાસ્થળે દોડ્યા અને બારણું ખોલીને આગ બુઝાવી. પોલીસે આવીને તેને હૉસ્પિટલમાં પહોંચાડ્યો ત્યારે ૭૦ ટકાથી વધુ દાઝી ગયેલા અરુણનું સારવાર દરમ્યાન મોત થયું હતું.