✕

૧૮ વર્ષના દીકરાએ માગેલા ૧૦ લાખ રૂપિયા આપવાની ના પાડનારા પોલીસપિતાને પુત્રએ ગોળીથી પતાવી નાખ્યા

28 September, 2026 01:54 PM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

ચંડીગઢમાં ૧૮ વર્ષના અરમાને પોતાના પોલીસ હેડ કૉન્સ્ટેબલ પિતા નીતિન સિંહની ગોળી મારીને હત્યા કરી હોવાનો પોલીસે દાવો કર્યો છે. દીકરો ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માગતો હતો અને પિતા પાસે ૧૦ લાખ રૂપિયા માગ્યા હતા.

પોલીસ હેડ કૉન્સ્ટેબલની હત્યા

ચંડીગઢના પોલીસ હેડ કૉન્સ્ટેબલ નીતિન સિંહની તેમના જ ૧૮ વર્ષના દીકરા અરમાને ગોળી મારીને હત્યા કરી હતી. શુક્રવારે તેમના ઘરે જ નીતિન સિંહનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો. પોલીસે તપાસ કરતાં ખબર પડી હતી કે દીકરાએ જ પિતાની હત્યા કરી હતી. એ માટેનું કારણ પણ અજીબોગરીબ છે. અરમાને લગ્ન માટે પિતા પાસે ૧૦ લાખ રૂપિયા માગ્યા હતા. તેને પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાં હતાં. જોકે નીતિન સિંહે દીકરાને કહ્યું હતું કે ૨૧ વર્ષનો થાય ત્યાં સુધી ખમી જા. જોકે લગ્ન માટેની કાનૂની ઉંમર સુધી રાહ જોવાની સલાહ દીકરાને પચી નહોતી. ગુરુવારે સાંજે પિતા-પુત્ર વચ્ચે ખૂબ બોલાચાલી થઈ. લગ્નની ના પાડ્યા પછી પિતાએ દીકરાની ૧૦ લાખની ડિમાન્ડને પણ નકારી દેતાં તેણે પિતાના માથામાં ગોળીઓ ધરબી દીધી હતી. અરમાને મમ્મીનું ગળું દબાવીને તેને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો, પણ મમ્મી ઘરની અગાસી પર દોડી ગઈ હતી અને પાડોશીઓ બચાવવા આવી પહોંચ્યા હતા. 

chandigarh Crime News murder case offbeat news hatke news