હવે છત્રી પકડવી નહીં પડે, તમારી સાથે જ તમારા માથા પર હાજર રહેશે આ ફ્લાઇંગ અમ્બ્રેલા

11 September, 2026 12:15 PM IST  |  Ottawa | Gujarati Mid-day Correspondent

કૅનેડિયન એન્જિનિયર જૉન ત્સેએ એવી ફ્લાઇંગ અમ્બ્રેલા બનાવી છે જે ડ્રોનની જેમ હવામાં ઊડીને માલિકની પાછળ-પાછળ ચાલે છે. ડેપ્થ કૅમેરા, ચાર પ્રોપેલર્સ, GPS અને ફ્લાઇટ કન્ટ્રોલરની મદદથી છત્રી માથા ઉપર રહે છે.

ફ્લાઇંગ અમ્બ્રેલા

ચોમાસામાં કે કાળઝાળ તડકામાં છત્રી હાથમાં પકડીને ચાલવાની ઝંઝટમાંથી રિમોટ કન્ટ્રોલ બની ચૂકેલા માણસને હવે કાયમ માટે મુક્તિ મળી જાય એવી નવતર પ્રકારની શોધ સામે આવી છે. 
કૅનેડિયન એન્જિનિયર જૉન ત્સેએ એક એવી અદ્ભુત ફ્લાઇંગ અમ્બ્રેલા એટલે કે ઊડતી છત્રી બનાવી છે જે માલિકની પાછળ-પાછળ પોતાની જાતે જ હવામાં ઊડીને છાંયડો અને રક્ષણ આપે છે. આ અનોખી છત્રીનો વિડિયો એન્જિનિયરે પોતાની I Build Stuff નામની યુટ્યુબ ચૅનલ પર શૅર કર્યો છે. દેખાવમાં એ પીળા રંગની સામાન્ય છત્રી જેવી લાગે છે, પણ ખરેખર તો આ એક અત્યાધુનિક ડ્રોન છે.
એન્જિનિયરે છત્રીની અંદર ખાસ ફ્રેમ બનાવીને ચાર પાંખડાં એટલે કે પ્રોપેલર્સ ફિટ કર્યાં છે. છત્રીનો ઉપયોગ ન કરવો હોય ત્યારે એનાં પાંખડાં અંદરની તરફ ફોલ્ડ થઈ જાય છે. આ છત્રીમાં ટાઇમ-ઑફ-ફ્લાઇટ ડેપ્થ કૅમેરા સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમ વ્યક્તિના માથાની મૂવમેન્ટને ઓળખી લે છે અને માણસ જેમ-જેમ આગળ ચાલે એમ-એમ છત્રી હવામાં તેની બરાબર ઉપર જ ઊડે છે.
આ ખાસ છત્રીને હલકી અને મજબૂત બનાવવા માટે કાર્બન ફાઇબર નાયલૉન અને 3D પ્રિન્ટિંગ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય એમાં પ્રોફેશનલ ફ્લાઇટ કન્ટ્રોલર અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) પણ સેટ કરી છે.

canada technology news ai artificial intelligence viral videos social media world news offbeat news hatke news