ભાઈએ કાકાના હાડપિંજરમાંથી બનાવ્યું છે વાગી શકે એવું ઇલેક્ટ્રૉનિક ગિટાર

12 February, 2021 08:23 AM IST  |  Washingto | Gujarati Mid-day Correspondent

ભાઈએ કાકાના હાડપિંજરમાંથી બનાવ્યું છે વાગી શકે એવું ઇલેક્ટ્રૉનિક ગિટાર

પ્રિન્સ મિડનાઇટ અને તેણે કાકાના હાડપિંજરમાંથી બનાવેલું ઇલેક્ટ્રૉનિક ગિટાર

પોતાને પ્રિન્સ મિડનાઇટ તરીકે ઓળખાવતા મ્યુઝિશ્યને તેના કાકા ફિલિપના હાડપિંજરમાંથી ઇલેક્ટ્રૉનિક ગિટાર તૈયાર કર્યું છે. વાસ્તવમાં અંકલ ફિલિપનો મૃતદેહ મેડિકલ કૉલેજને દાન કરવામાં આવ્યો હતો તથા મેડિકલના સ્ટુડન્ટ્સે એનો વર્ષો સુધી ઉપયોગ પણ કર્યો હતો. જ્યારે મેડિકલ કૉલેજને બૉડીની જરૂર નહોતી ત્યારે તેમણે બૉડી પરિવારને સોંપી દીધી હતી. જોકે અંકલ ફિલિપના મૃતદેહને દફન કરવા માગતા ન હોવાથી પ્રિન્સ મિડનાઇટે તેના કંકાલમાંથી ૬ સ્ટ્રિંગનું ગિટાર બનાવવાનું વિચાર્યું હતું. નવાઈ એ છે કે માત્ર એ શોભાના પૂતળા જેવું જ ગિટાર નથી. પ્રિન્સે આ ગિટાર વગાડતો વિડિયો પણ યુટ્યુબ પર શૅર કર્યો છે.

પ્રિન્સ મિડનાઇટે હાડપિંજરનો બેઝ તરીકે ઉપયોગ કરીને એમાં સ્ટ્રિંગ લગાવી, ગિટાર નેક, જૅક, પિકઅપ્સ અને ઇલેક્ટ્રૉનિક બોર્ડ બેસાડીને એમાંથી ઇલેક્ટ્રિક ગિટાર તૈયાર કર્યું. પ્રિન્સ મિડનાઇટ જણાવે છે કે હાડપિંજરમાંથી ગિટાર બનાવવાનું કામ સહેલું નહોતું. ઇન્ટરનેટ પર પુષ્કળ સંશોધન કર્યું, પણ આ પહેલાં કોઈએ આવો પ્રયોગ કર્યો ન હોવાથી તેણે ડીન ગિટારની વુડશૉપમાં કામ કરતી બે વ્યક્તિની સલાહ લેવાનું વિચારેલું, પરંતુ કોઈએ તેને સાથ આપ્યો નહોતો. કોઈ તેને કંકાલમાંથી ગિટાર બનાવવામાં હેલ્પ કરી શકે એમ નહોતું એમ છતાં ભાઈસાહેબ જાતે ગિટાર કરીને જ જંપ્યા. હવે ભાઈસાહેબ નિતનવી ધૂન વગાડીને સોશ્યલ મીડિયામાં છવાયેલા રહે છે.

offbeat news international news