અહીં ઇન્ટરનેટ ન ચાલવાનું કારણ 18 મહિને ખબર પડી, જાણીને ચોંકી જશો

24 September, 2020 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અહીં ઇન્ટરનેટ ન ચાલવાનું કારણ 18 મહિને ખબર પડી, જાણીને ચોંકી જશો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસના લીધે ડિજિટલ ચલણ વધી રહ્યું છે પરંતુ મહામારી પહેલા જ ઈન્ટરનેટ/બ્રોડબેન્ડનો વ્યાપ સમગ્ર વિશ્વમાં હતો. તમારા ઘરે વાઈ-ફાઈ બગડી જાય તો તમે કંપનીમાં ફોન કરો તો તેઓ તેમની ઑફિસમાં બેઠા બેઠા જ ટેકનિકલ ખામી દૂર કરે છે અથવા માણસ તમારા ઘરે આવીને કનેકશનમાં કોઈ પ્રોબ્લેમ હોય તો દૂર કરે છે. ફોલ્ટ ઠીક કરવામાં વધુમાં વધુ એકાદ બે દિવસ લાગતા હોય પરંતુ તમે માનશો કે વરિષ્ઠ સ્તરના એન્જિનિયર્સ એક વિસ્તારમાં 18 મહિના સુધી ઈન્ટરનેટ સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નહીં.

યુકેના મેચયિનિલ્થ નજીક એબરહોસનમાં લોકોએ ફરિયાદ કરી કે બ્રોડબેન્ડ સર્વિસ બરાબર ચાલતી નથી. કંપનીના માણસો આવીને ચેક પણ કરતા હતા પરંતુ તેમના હિસાબે બધુ જ બરાબર હતું. સતત ફરિયાદો કરીને આ વિસ્તારના લોકો પણ કંટાળ્યા હતા. 18 મહિના થઈ ગયા પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો નહીં, એમ ડેલીપોસ્ટ.કો.યુકેની વેબસાઈટમાં જણાવવામાં આવ્યું હતું.

રોજ સવારે સાત વાગ્યે બ્રોડબેન્ડ કનેક્ટિવીટી નબળી હતી અને ઈન્ટરનેટ સ્પીડ ખૂબ જ ઘટી જતી હતી. ટેલીકોમ એન્જિનિયર્સે કેબલ્સના મોટા ભાગના પાર્ટ બદલ્યા હોવા છતાં પણ કઈ ફરક પડ્યો નહીં.

અંતે સ્થાનિક એન્જિનિયર માઈકલ જોનસે ચીફ એન્જિનિયર્સ ટીમને બોલાવવાનું નક્કી કર્યું જે ‘SAS’ દરજ્જાના હતા. આ ટીમે થોડા દિવસ અવલોકન કર્યું પણ ફોલ્ટ ખબર ન પડતા તેમણે યુકેના અન્ય ચીફ એન્જિનિયર્સને આ વિસ્તારમાં બોલાવ્યા હતા.

આ ટીમે SHINE (Single high-level impulse noise) ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. આમાં કોઈ ઈલેક્ટ્રીકલ ઉપકરણના લીધે બ્રોડબેન્ડ ઉપર અસર પડે છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. સ્પેક્ટ્રમ એનેલાઈઝર નામના ડિવાઈસથી આ ટેસ્ટ કરવામાં આવતો હોય છે. એન્જિનિયર્સે વહેલી સવારે છ વાગ્યે આ ટેસ્ટ શરૂ કર્યો જેથી આ ડિવાઈઝના માધ્યમથી કોઈ ઈલેક્ટ્રીકલ અવાજ આવે ખબર પડે કે મુશ્કેલી શું છે. એક કલાક બાદ બરાબર સાત વાગ્યે આ ડિવાઈસમાંથી અવાજ આવવા લાગ્યો અને ડિવાઈસના હિસાબે આ ગામના એક સ્થળે પહોંચ્યા તો ખબર પડી કે 18 મહિનાથી ઈન્ટરનેટ કેમ ચાલતુ નહોતું.

રોજ સવારે સાત વાગ્યે આ વિસ્તારનો એક રહેવાસી પોતાનું જુનું ટીવી ચાલુ કરતો હતો જેથી આખા ગામના બ્રોડબેન્ડ ઉપર પ્રતિકૂળ અસર પડતી હતી. આ વ્યક્તિને સમજાવવામાં આવ્યું કે તે પોતાનું જુનુ ટીવી ન વાપરે કારણ કે તેના લીધે આખા ગામને તકલીફ થઈ રહી છે, ત્યારબાદ આ વિસ્તારમાં બ્રોડબેન્ડ સંબંધિત એક પણ ફરિયાદ આવી નથી.

એક ચીફ એન્જિનિયરે કહ્યું કે, માઈક્રોવેવથી લઈને સીસીટીવી સહિતના કોઈ પણ ઈલેક્ટ્રીક ઉપરકરણથી તમારા બ્રોડબેન્ડ કનેકશન ઉપર અસર પડી શકે છે.

international news offbeat news