24 April, 2025 06:59 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશમાં કન્યાના ઘરેથી દહેજનો સામાન ભરીને આવેલી ગાડીનું ભાડું આપવાનો વરરાજાના પિતાએ કરેલા ઇનકારના પગલે કન્યા લગ્ન કરવા આવી જ નહીં. શાહજહાંપુરના ખુટાર ગામના યુવાનની સગાઈ લખનઉની યુવતી સાથે કરવામાં આવી હતી. સોમવારે રાતે એક મૅરેજ-લૉનમાં લગ્નસમારોહ આયોજિત થયો હતો. કન્યાના ઘરવાળાઓએ સવારે જ દહેજનો સામાન ભરેલી ગાડી લગ્નસ્થળે મોકલી આપી હતી અને કન્યાની માતાએ વરરાજાના પિતાને ફોન કરીને આ વાત જણાવીને ગાડીનું ભાડું આપવા કહ્યું હતું. જોકે વરરાજાના પિતાએ ગાડીનું ભાડું આપવાની ના પાડી દીધી હતી અને એના પગલે બન્ને પક્ષ વચ્ચે ફોન પર જ જોરદાર ઝઘડો થયો હતો. ત્યાર બાદ કન્યા પક્ષના લોકો લગ્નસ્થળે પહોંચ્યા હતા અને લગ્નની ના પાડી દીધી હતી. બપોર સુધીમાં આ ઝઘડો પોલીસ-સ્ટેશને પહોંચ્યો હતો અને પછી આ વાત પંચાયત સુધી પહોંચી હતી. જોકે આ બધામાં કોઈ નિર્ણય આવ્યો નહીં. આ બધું જોઈને કન્યા લગ્ન કરવા ખુટાર ગામ પહોંચી જ નહીં અને લગ્નની કરેલી તૈયારીઓ એમની એમ જ રહી ગઈ.