દુલ્હને લગ્નની મેંદીમાં પતિનું નામ નહીં, ઍમૅઝૉનનો લોગો છપાવ્યો

18 February, 2026 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને એકસાથે એક જ ઑફિસમાં કામ કરતાં હતાં અને પ્રેમ થઈ જતાં એ લગ્નમાં પરિણમ્યો હતો

ઇન્સ્ટાગ્રામ-હૅન્ડલ પર કરવામાં આવેલ પોસ્ટ

લગ્નને યાદગાર બનાવવા માટે યુગલો કંઈક અતરંગી જ કરતાં હોય છે. એમાં વળી લગ્ન દરમ્યાન લગ્ન પહેલાંની યાદગાર પળોને પણ સિમ્બૉલ તરીકે લગ્નવિધિઓમાં વણી લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. એવામાં એક યુવતીએ તેનાં લગ્નની ‍મેંદીમાં ઍમૅઝૉનનો લોગો છપાવતાં સોશ્યલ મીડિયા પર તેની મેંદી જબરી વાઇરલ થઈ ગઈ. પછી તો ‍ઍમૅઝૉન કંપનીએ પણ આ મેંદીને પોતાના @insideamazon નામના ઇન્સ્ટાગ્રામ-હૅન્ડલ પર પોસ્ટ કરી. આ હૅન્ડલને ખુદ ઍમૅઝૉનના સંસ્થાપક જેફ બેઝોસ ફૉલો કરે છે. એનાથી કેટલાક લોકોને લાગ્યું કે હવે ઘણી કંપનીઓ લગ્ન સ્પૉન્સર કરતી હોય છે તો શું ઍમૅઝૉને આ લગ્ન સ્પૉન્સર કર્યાં છે? પણ ના, એવું નહોતું. દુલ્હનનું નામ છે પ્રિયાંશી શ્રીમલ અને દુલ્હાનું નામ છે રજત વર્મા. બન્નેની પહેલી મુલાકાત ઍમેઝૉનની ઑફિસમાં થઈ હતી. બન્ને એકસાથે એક જ ઑફિસમાં કામ કરતાં હતાં અને પ્રેમ થઈ જતાં એ લગ્નમાં પરિણમ્યો હતો. રજત હવે બીજી કંપનીમાં કામ કરે છે, પરંતુ જે કંપનીમાં તેને જીવનસાથી મળી એ માટે હજીયે થૅન્કફુલ છે. જે કંપનીમાં પહેલી મુલાકાત થઈ એને યાદ રાખવા માટે દુલ્હનની બ્રાઇડલ મેંદીમાં ઍમૅઝૉનનો લોગો અને સ્માઇલી છપાવવામાં આવ્યાં હતાં.

offbeat news amazon india national news social media instagram