સ્વર્ગસ્થ પિતાના વૅક્સ સ્ટૅચ્યુની સરપ્રાઇઝથી દુલ્હન ભાવવિભોર

29 June, 2022 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુલ્હન અને તેની મમ્મીએ જ્યારે રિયલિસ્ટિક વૅક્સ સ્ટૅચ્યુ જોયું ત્યારે તેમની આંખોમાં આંસુ છલકાઈ ઊઠ્યાં હતાં

સ્વર્ગસ્થ પિતાના વૅક્સ સ્ટૅચ્યુની સરપ્રાઇઝથી દુલ્હન ભાવવિભોર

પિતા-પુત્રી વચ્ચેનો સંબંધ ખૂબ સારો અને સ્પેશ્યલ હોય છે. વેડિંગમાં પુત્રી પિતાના આશીર્વાદ ઇચ્છતી હોય છે. પુત્રી પોતાના ઘરમાંથી વિદાય લઈને જીવનની નવી શરૂઆત કરે ત્યારે તેના પિતાના આશીર્વાદ ન મળે એ તેને માટે અત્યંત દુખદ બાબત હોય છે.
જો કોઈ યુવતીના પિતા હયાત ન હોય છતાં તે તેમની હાજરી અનુભવે તો? આવો જ એક કિસ્સો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક દુલ્હનને તેનાં લગ્નના દિવસે તેના સ્વર્ગસ્થ પિતાના વૅક્સ સ્ટૅચ્યુની સરપ્રાઇઝ આપવામાં આવી હતી અને એ સ્ટૅચ્યુને જોતાં જ દુલ્હન ભાવવિભોર બની ગઈ હતી. આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે આ દુલ્હન અને તેની મમ્મીએ જ્યારે રિયલિસ્ટિક વૅક્સ સ્ટૅચ્યુ જોયું ત્યારે તેમની આંખોમાં આંસુ છલકાઈ ઊઠ્યાં હતાં. એટલું જ નહીં, મૅરેજમાં આવેલા તમામ લોકો શૉક્ડ થઈ ગયા હતા. 
દુલ્હનના ભાઈ અવુલા ફનીએ તેના સ્વર્ગસ્થ પિતા અવુલા સુબ્રમણ્યમના વૅક્સ સ્ટૅચ્યુની આ સરપ્રાઇઝ આપી હતી. અવુલા ફનીએ કહ્યું કે હું આ પહેલાં અમેરિકા રહેતો હતો.
તેના પિતાનું કોરોનાને કારણે નિધન થયું હતું. કર્ણાટકમાં જ તેમનું વૅક્સ સ્ટૅચ્યુ બનાવાયું હતું અને એને બનાવડાવતાં એક વર્ષ કરતાં વધુ સમય લાગ્યો હતો. અવુલા ફનીએ જણાવ્યું કે મારા સ્વર્ગસ્થ પિતા અને મારાં મધર ભારત સંચાર નિગમ લિમિટેડમાં કામ કરતાં હતાં.

offbeat news viral videos