આઠમા ધોરણમાં ભણતો છોકરો બન્યો યંગેસ્ટ સાઇક્લિસ્ટ ઑન હિલ્સ

26 January, 2020 09:28 AM IST  |  Mumbai Desk

આઠમા ધોરણમાં ભણતો છોકરો બન્યો યંગેસ્ટ સાઇક્લિસ્ટ ઑન હિલ્સ

હિમાચલ પ્રદેશમાં રહેતા ગુરુદેવ ઠાકુર નામના કિશોરે માત્ર ૨.૪૩ કલાકમાં સાઇકલ પર ઊના અને બડસર વચ્ચેનું ૪૫ કિલોમીટરનું અંતર કવર કર્યું હતું. તેની આ સિદ્ધિ માટે ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સે ગુરુદેવને યંગેસ્ટ બાઇસિકલ-રાઇડર ઑન હિલ્સનું ટાઇટલ આપ્યું હતું. ગુરુદેવ રોજ સવારે ઊનાથી રાયપુર મેદાન સુધી સાઇક્લિંગની પ્રૅક્ટિસ કરતો હતો. હવે ગુરુદેવનું લક્ષ્ય ઊનાથી દિલ્હી સુધી સાઇકલિંગ કરવાનું છે. 

ડીએવી સૅન્ટેનરી પબ્લિક સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા ગુરુદેવને તેની સ્કુલના પ્રિન્સિપાલે હાલમાં આ રેકૉર્ડનું સર્ટિફિકેટ સોંપ્યું હતું. ગુરુદેવ ચાર વર્ષનો હતો ત્યારથી સાઇક્લિંગ કરે છે. આ ઉપરાંત તેને રોલર સ્કેટિંગનો પણ શોખ છે. સીબીએસઈના રાષ્ટ્રીય ખેલમાં રોલર સ્કેટિંગમાં તે પાંચમું સ્થાન મેળવી ચૂક્યો છે.

ગુરુદેવના પિતા રાજકુમાર ઠાકુરે જણાવ્યું કે ‘ગુરુદેવે લિમકા બુક ઑફ રેકૉર્ડ્સ માટે અરજી કરી હતી, પરંતુ ૧૭ વર્ષ કરતાં ઓછી વય હોવાને કારણે તેને સ્થાન મળ્યું નહીં. ત્યાર બાદ તેણે ૨૦૧૯માં ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સમાં અરજી કરીને તમામ ઔપચારિકતા પૂર્ણ થયા બાદ જુલાઈમાં ઊનાથી બડસર સાઇક્લિંગ કર્યું. ભવિષ્યમાં તે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ માટે પણ અરજી કરશે.’

international news offbeat news himachal pradesh national news