ઍરપોર્ટ પર સામાનમાંથી પકડાઈ મેલી વિદ્યા માટેની માનવ ભ્રૂણ જેવી ઢીંગલી

19 December, 2019 02:43 PM IST  |  Mumbai Desk

ઍરપોર્ટ પર સામાનમાંથી પકડાઈ મેલી વિદ્યા માટેની માનવ ભ્રૂણ જેવી ઢીંગલી

થાઇલૅન્ડના બૅન્ગકૉકના સ્વર્ણભૂમિ વિમાનમથકેથી અમેરિકાના ફ્લોરિડાના સરનામે મોકલવામાં આવેલા માનવગર્ભના મોડલને સ્વર્ણભૂમિ ઍરપોર્ટના સ્ટાફે રોક્યું હતું. અમેરિકાના અંતરિયાળ ભાગોમાં કરવામાં આવતા ‘વુડૂ’ નામની મેલી વિદ્યાના પ્રયોગોમાં વપરાશ માટે એ મોડલ એટલે કે ઢીંગલી મોકલવામાં આવતી હોવાનું વિમાનમથકના કર્મચારીઓને જાણવા મળ્યું હતું. 

બાવીસમી નવેમ્બરે ઍરપોર્ટ પર સિક્યૉરિટી ચેક દરમ્યાન પોલીસ જવાનોને એક પૅકેજ તપાસવા માટે બોલાવવામાં આવ્યા હતા. એક પોલીસ જવાને સ્કૅનિંગ દરમ્યાન પૅકેજમાં મોટું માથું અને વાંકા પગ દેખાતાં માનવગર્ભ હોય એવું જણાતું હતું. એ રિયલ ભ્રૂણ નહીં, પરંતુ એ માનવગર્ભની ૧૦ ઇંચની અસલ પ્રતિકૃતિ હતી. એ પૅકેજ પર ‘ભૂતોની વિધિ વુડૂ માટેનો ઢીંગલો’ એવું લખેલું હતું. એના પર એવી સૂચના પણ લખેલી હતી કે ‘તમે આ વસ્તુને તમારી નજીક રાખશો તો તમારી સાથે કમનસીબ ઘટના નહીં બને અને તમને અનિષ્ટોથી દૂર રાખશે. ફ્લોરિડાના ટૅમ્પામાં રહેતા રોનાલ્ડ લીકને મૃત બાળક જેવો દેખાતો જંતર મંતર કરેલો ઢીંગલો લાવવાની સલાહ આપવામાં આવી હતી. હવે એ પૅકેટ મોકલનારને પાછું સોંપવામાં આવશે. જંતર મંતર અને મેલી વિદ્યાની વસ્તુઓ દેશની બહાર મોકલી શકાય છે, પરંતુ આ રીતે મૃત બાળકના રૂપમાં મોકલી ન શકાય.

offbeat news thailand