નિયમ અજબ હૈ, રિક્ષાચાલક જોડેથી વસુલાયો સીટ બેલ્ટ ન પહેરવાનો દંડ !

15 September, 2019 04:16 PM IST  |  બિહાર

નિયમ અજબ હૈ, રિક્ષાચાલક જોડેથી વસુલાયો સીટ બેલ્ટ ન પહેરવાનો દંડ !

દેશભરમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે. આ નવા નિયમો લાગુ થયા ત્યારથી ક્યારેક ચોંકાવનારા તો ક્યારેક આશ્ચર્યજનક સમાચારો સામે આવતા રહે છે. ક્યાંક લોકો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક લોકો નિયમોને આવકારી રહ્યા છે. અત્યાર સુધી આપણે 6 લાખ સુધીનો દંડ થયો હોવાના સમાચાર સાંભળ્યા છે. પરંતુ આ વખતે તો ટ્રાફિક પોલીસે હદ જ કરી નાખી. બિહારમાં એક રિક્ષાચાલક પાસેથી ટ્રાફિક પોલીસે સીટ બેલ્ટ ન પહેરવા બદલ દંડ વસુલ્યો. હવે રિક્ષામાં સીટબેલ્ટ હોય છે કે નહીં એ તો તમને ખબર જ છે !

એક પોલીસ અધિકારીએ આ વાતની માહિતી આપી છે. ઘટના બિહારના મુઝફ્ફરપુરની છે. અહીંના પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે શનિવારે સરાઈ વિસ્તારમાં એક ઓટો ડ્રાઈવર પાસેથી 1 હજાર રૂપિયાનો દંડ એટલે વસુલવામાં આવ્યો, કારણ કે તેણે ટીબેલ્ટ નહોતો પહેર્યો. સરાઈના સ્ટેશન ઈન્ચાર્જે આપેલી માહિતી પ્રમાણે,'સીટબેલ્ટ ન પહેરવાને કારણે પોલીસે ઓટો ડ્રાઈવરને લઘુત્તમ દંડ ભરવા કહ્યું. કારણ કે તે ખૂબ ગરીબ હતો એટલે પોલીસે 1 હજારનો દંડ ભરવા કહ્યું.'

સ્ટેશન ઈન્ચાર્જ અજયકુમારના કહેવા પ્રમાણે,'પોલીસે ડ્રાઈવરને લઘુત્તમ દંડ ભરવા કહ્યું હતું. આ એક ભૂલ હતી પરંતુ રિક્ષાચાલકે ઓછામાં ઓછો દંડ ભરવો પડે એટલા માટે પોલીસે આ નિર્ણય લીધો હતો.' ઉલ્લેખનીય છે કે નવો મોટર વ્હિકલ કાયદો લાગુ થયા બાદ આખા દેશમાં ટ્રાફિકના નિયમના ભંગ બદલ મોટો દંડ વસુલાઈ રહ્યો છે.

તાજેતરમાં જ આવો એક કિસ્સો ઓડિશાનો સામે આવ્યો હતો. જ્યાં સંબલપુરમાં ટ્રાફિકના નિયમનો સાત વાર ભંગ કરવા બદલ નાગાલેન્ડમાં રજિસ્ટર એક ટ્રક પર 6.53 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થતા પહેલા 10 ઓગસ્ટે આ દંડ વસુલવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાનનો કૂતરો મર્યો, તો ડોક્ટર સામે નોંધાઈ ગઈ FIR

6.53 લાખ રૂપિયામાં ટ્રક માલિક પર ઓડિશા મોટર વાહન ટેક્સ નિયમ અંતર્ગત 21 જુલાઈ 2014થી 30 સપ્ટેમ્બર 2019 સુધી રોડ ટેક્સ નહીં ચૂકવવા બદલ 6 લાખ 40 હજાર 500 રૂપિયાનો દંડ લગાવાયો હતો. આ ઉપરાંત પણ દેશના જુદા જુદા વિસ્તારોમાંથી આવા ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.

offbeat news hatke news national news bihar