22 September, 2025 10:35 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
ગામલોકોએ તેની પ્રેમિકાને બોલાવી જેની વાત સાંભળીને કદાચ અમર નીચે ઊતરવા તૈયાર થઈ જાય. જોકે એ દાવ પણ ઊલટો પડ્યો.
બિહારના સમસ્તીપુરના એક ગામમાં અજીબ દીવાનગી જોવા મળી હતી. અમર નામના યુવકને તેના જ ગામની એક મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો, પણ તે સંબંધમાં તેની ભાભી થતી હતી. તેણે પોતાની પ્રેમિકાને મેળવવા માટે ગામમાં હાઈ-વૉલ્ટેજ ડ્રામા ક્રીએટ કર્યો હતો. તે એ યુવતીના પ્રેમમાં એટલો પાગલ થઈ ગયેલો કે ગયા શનિવારે તેણે ગામમાં લગાવેલા મોબાઇલ ટાવર પર ચડીને પોતાના પ્રેમનો એકરાર કર્યો. ટાવરની ઉપર જઈને તેણે સેલ્ફી લીધો અને આસપાસ ભેગી થઈ ગયેલી ભીડનો વિડિયો પણ ઉતાર્યો. અમરને કાબૂમાં લઈને નીચે ઉતારવા માટે પોલીસને બોલાવવામાં આવી, પણ તેમની કોશિશો નાકામ થઈ. ગામલોકોએ તેની પ્રેમિકાને બોલાવી જેની વાત સાંભળીને કદાચ અમર નીચે ઊતરવા તૈયાર થઈ જાય. જોકે એ દાવ પણ ઊલટો પડ્યો. પેલી મહિલાએ ત્યાં આવીને વાત કરી ત્યાં સુધી વાંધો ન આવ્યો, પણ તેને પાછા વળીને ઘરે જતી રહેતી જોઈને આવેશમાં આવી ગયેલા અમરે અચાનક જ ટાવર પરથી કૂદકો મારી દીધો હતો. તે નીચે પટકાતાં જ અંધાધૂંધી થઈ ગઈ. તરત જ પરિવારજનો અમરને ડૉક્ટર પાસે લઈ ગયા, પરંતુ ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો. અમરના ભાઈ લખવિન્દરે કહ્યું હતું કે તેનો ભાઈ ગામની એક મહિલા સાથે ફોન પર બહુ વાતો કરતો હતો અને તેને ખૂબ પ્રેમ કરતો હતો.