આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં કેરળથી કાશ્મીર સુધી સાઇકલ-સવારી

17 January, 2021 09:15 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં કેરળથી કાશ્મીર સુધી સાઇકલ-સવારી

જિબિન જ્યૉર્જ

માવઠાનાં ઝાપટાં, કરાનો વરસાદ અને કડકડતી ઠંડીમાં દિલ્હીની સરહદ પર ધરણાં કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં કેરળનો જિબિન જ્યૉર્જ નામનોયુવક કાશ્મીર સુધી સાઇક્લિંગનું અભિયાન આદરીરહ્યો છે. ખેડૂત આંદોલનને કેરળનું મજબૂત સમર્થન વ્યક્ત કરવાનો આ બીજો સશક્ત પ્રયાસ છે. જિબિન તેના પ્રવાસમાં મુખ્યત્વે મદુરાઈ, હૈદરાબાદ, બૅન્ગલોર, નાગપુર, ચંડીગઢ, આગરા, નવી દિલ્હી, ધરમશાલા, ગુલમર્ગ અને શ્રીનગર શહેરોને આવરી લેવા ઇચ્છે છે. તે આંદોલનકારીઓ માટે ભંડોળ પણ એકઠું કરવા ઇચ્છે છે.

દિલ્હીની સિંધુ, ટિકરી, ગાઝીપુર વગેરે સરહદો પર ધરણાં કરી રહેલા ખેડૂતોને જોતાં પ્રથમ નજરે આપણને એવું લાગે કે કેન્દ્રના કૃષિક્ષેત્રે સુધારા માટેના ત્રણ કાયદા સામે મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશનાખેડૂતોને વાંધો છે, પરંતુ થોડાં અઠવાડિયાં પહેલાં કેરળના ખેડૂતોએ દિલ્હીની સરહદ પર બેઠેલા આંદોલનકારી ખેડૂતોને એક ટ્રક ભરીને અનનાસ મોકલીને સમર્થન જાહેર કર્યું હતું.

હોટેલ મૅનેજમેન્ટના વિદ્યાર્થી જિબિન જ્યૉર્જને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ખેડૂત આંદોલનના સમાચાર અને ચર્ચા વાંચીને આ વિચાર આવ્યો હતો. હવે તેણે કેરળની રાજધાની તિરુવનંતપુરમથી જમ્મુ-કાશ્મીર સુધી સાઇકલ-પ્રવાસ દ્વારા આંદોલનને સમર્થન અને એ બાબતે લોકજાગૃતિનું અભિયાન હાથ ધર્યું છે. ક્રૉસ કન્ટ્રી સાઇક્લિંગનોવિચાર તેના મનમાં ગયા નવેમ્બર મહિનાથી ચાલતો હતો.

offbeat news national news kerala kashmir