આ ચૉકલેટી ઇન્ડિયા ગેટ નરેન્દ્ર મોદીને ગિફ્ટ આપવા માગતા હતા બેલ્જિયમના વડા પ્રધાન

06 September, 2026 01:40 PM IST  |  Brussels | Gujarati Mid-day Correspondent

બેલ્જિયમના PM બાર્ટ ડી વેવરે PM મોદીને ગિફ્ટ આપવા ચૉકલેટથી બનેલો ઇન્ડિયા ગેટ લાવ્યો, પરંતુ લાંબી મુસાફરીમાં તે તૂટી ગયો.

ચૉકલેટી ઇન્ડિયા ગેટ

ભારતની મુલાકાતે આવેલા બેલ્જિયમના પ્રાઇમ મિનિસ્ટર બાર્ટ ડી વેવર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમ્યાન એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. બેલ્જિયમના વડા પ્રધાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે બેલ્જિયમની વર્લ્ડ ફેમસ ફાઇન ચૉકલેટમાંથી બનેલો ઇન્ડિયા ગેટ ગિફ્ટ તરીકે લાવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમના લાંબા પ્રવાસને કારણે ચૉકલેટનો આ ઇન્ડિયા ગેટ રસ્તામાં જ તૂટી ગયો હતો.
ભારતમાં બેલ્જિયમ એમ્બેસીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર આ વાઇરલ ચૉકલેટી ઇન્ડિયા ગેટની તસવીર શૅર કરી હતી. હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં પ્રાઇમ મિનિસ્ટર બાર્ટ ડી વેવરે હળવા અંદાજમાં કહ્યું હતું કે ‘અસલી ઇન્ડિયા ગેટ તો ૧૦૦ વર્ષથી અડીખમ ઊભો છે, પણ આ ચૉકલેટવાળો ઇન્ડિયા ગેટ ભારત પહોંચવા સુધી પણ ન ટકી શક્યો. રાજદ્વારી સંબંધો સુધારવા માટે ચૉકલેટ ઉત્તમ છે, ટ્રાવેલિંગ માટે નહીં.’

શા માટે બનાવ્યો હતો ચૉકલેટી ઇન્ડિયા ગેટ?

પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બેલ્જિયમના ફ્લેન્ડર્સ ફીલ્ડ્સમાં ભારતીય સૈનિકોએ વીરતાપૂર્વક લડીને બલિદાન આપ્યું હતું. ચૉકલેટના આ ઇન્ડિયા ગેટ પર ભારતીય શહીદોના સન્માનમાં ખાસ કોતરામણી કરવામાં આવી હતી.
પ્રાઇમ મિનિસ્ટર બાર્ટ ડી વેવરે ભારતીયોને ખાતરી આપી કે બેલ્જિયમમાં આવી જ બીજી ચૉકલેટી ઇન્ડિયા ગેટની મૂર્તિ સુરક્ષિત પડી છે અને તેઓ ગમે એમ કરીને નરેન્દ્ર મોદી સુધી એને સહીસલામત પહોંચાડીને જ રહેશે.

belgium narendra modi india gate viral videos social media social networking site offbeat news hatke news