ક્લાઉડ નામનું કોઆલા રીંછ પાંચ લાખના છોડવા ઝાપટી ગયું

11 September, 2023 02:40 PM IST  |  Gundagai | Gujarati Mid-day Correspondent

હેરિંગ્ટન જણાવે છે કે ન્યુ સાઉથ વેલ્સમાં એની સાઉથ ગુન્ડુરિમ્બા નર્સરીમાં થોડા મહિના પહેલાં જ ખરો ડ્રામા શરૂ થયો

ક્લાઉડ નામનું કોઆલા રીંછ

ભારત માટે દુર્લભ ગણાતું કોઆલા રીંછ ઑસ્ટ્રેલિયામાં છોડવાની ચોરી માટે ચર્ચામાં આવ્યું છે. એણે એક નર્સરીમાંથી મોંઘા છોડવાને ભોજન બનાવવા તફડંચી શરૂ કરી હતી. મૅનેજર હમ્ફ્રી ​હેરિંગ્ટનને કોઈક રોપા ચોરતું હોવાની જાણ થઈ ત્યારે તેમણે વિચાર્યું નહોતું કે તેમણે એક પાંદડાચોર ક્લાઉડ ધ કોઆલાની સાથે ડીલ કરવું પડશે. હેરિંગ્ટન જણાવે છે કે ન્યુ સાઉથ વેલ્સમાં એની સાઉથ ગુન્ડુરિમ્બા નર્સરીમાં થોડા મહિના પહેલાં જ ખરો ડ્રામા શરૂ થયો. તેણે કહ્યું કે મેં નોટિસ કર્યું છે કે ઘણી વાર પાંદડાં ચવાયેલાં હોય છે. જોકે મને થયું એ કોઈ ઉંદર હશે. દર રાતે એની સંખ્યા વધતી ગઈ અને થોડા સમયમાં ગુનેગાર ઝડપાઈ ગયો. એક સવારે અમે કામે આવ્યા અને આ ક્લાઉડ ધ કોઆલા છોડવા પાસેના થાંભલા સાથે ચોંટીને બેઠું હતું. એના પંજાને કારણે એને ક્લાઉડ નામ આપવામાં આવ્યું હતું, પણ અમે એને ક્યારેય અહીં રહેવા માટેનું આમંત્રણ નથી આપ્યું. હેરિંગ્ટન જણાવે છે કે મેં એને એક ટૉવેલમાં લપેટી નર્સરીથી ૨૦૦-૩૦૦ મીટર દૂર એક ઝાડ પર છોડી દીધું હતું, પણ થોડા દિવસમાં એ પાછું આવી ગયું. હેરિંગ્ટને આ પાંદડાચોર પર આરોપ લગાવતાં જણાવ્યું કે એણે આટલા દિવસોમાં હજારો રોપા આરોગી લીધા છે, જેથી વેપારમાં અંદાજે ૬૦૦૦ ડૉલર (અંદાજે પાંચ લાખ રૂપિયા)નું નુકસાન થયું છે. હવે તેઓ કોઆલા પ્રૂફ ફેન્સિંગ બનાવી એને આ નર્સરીથી દૂર રાખવાના પ્રયાસ કરશે. 

australia offbeat news international news world news